એકદંત શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
કમિશનરને અરજી કરી પણ ઉકેલ ન આવતા આખરે મામલો કોર્ટમાં પહોચ્યો જે બાદ પોલીસે નોંધી ફરિયાદ
રાજકોટ શહેરમાં રોકાણના નામે છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકોએવૃદ્ધ દંપતીને ઊંચા વળતરની લાલચ આપીને તેમની આખી જિંદગીની જમાપૂંજી 5.12 લાખ પડાવી લીધા હતા. જોકે દંપતીએ પોલીસ કમિશનરને અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે મામલો કોર્ટમાં પહોચ્યો હતો અને અદાલતના આદેશ બાદ આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ, અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાય પાર્કમાં રહેતા ૬૫ વર્ષીય રમેશભાઈ કેશવજીભાઈ સોલંકીએ એકદંત મંડળીના સંચાલક નિલેષ રજનીકાંતભાઈ જોષી અને પૂનમગૌરી મહેશભાઈ ઠાકર (બંને રહે. શ્રીજી કૃપા, અલકાપુરી, રાજકોટ) સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રમેશભાઈ અને તેમના પત્ની નિઃસંતાન છે અને તેઓ પોતાની બચતની રકમ પર જ પોતાનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેઓએ રૈયા રોડ પર સદગુરૂ તિર્થધામમાં આવેલી ‘એકદંત શરાફી સહકારી મંડળી લિ.’ ના સંચાલક નિલેષ રજનીકાંતભાઈ જોષી અને પૂનમગૌરી મહેશભાઈ ઠાકરના સંપર્કમાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
આરોપીઓએ વૃદ્ધ દંપતીને વિશ્વાસ આપીને મંડળીમાં કુલ રૂ. ૪,૦૦,૦૦૦ની મંથલી પેન્શન ફિક્સ ડિપોઝિટ મુકાવી હતી. આ રોકાણ પર વાર્ષિક ૧૨ ટકા લેખે દર મહિને રૂ. ૪,૦૦૦ પેન્શન પેટે આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.શરૂઆતના સમયમાં પેન્શન આપ્યા બાદ માર્ચ-૨૦૨૪ થી મંડળીના સંચાલકોએ પેન્શનની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. દંપતીએ વારંવાર પોતાની રકમ પરત માંગવા છતાં સંચાલકો માત્ર ખોટા વાયદાઓ જ કરતા હતા. છેવટે માસિક પેન્શનના કુલ રૂ. ૧,૧૨,૦૦૦ અને મૂળ રકમ રૂ. ૪,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૫,૧૨,૦૦૦ આરોપીઓએ પરત ન કરતા દંપતીની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ હતી.
દંપતીએ આ મામલે પોલીસ કમિશનરને અરજી કરી હતી પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ભોગ બનનાર દંપતીએ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટના આદેશને પગલે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
