બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો
અહીં રહેવું હોય તો વંદે માતરમ્ ગાવું પડશે, મુસ્લિમ સંગઠનને સુવેન્દુની સ્પષ્ટ ચેતવણી
પશ્ચિમ બંગાળમાં તમામ શાળાઓ અને મદ્રેસાઓમાં ‘વંદે માતરમ્’નું ગાન ફરજિયાત બનાવવાના નિર્ણયને લઈને રાજકીય અને ધાર્મિક વિવાદ તેજ બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “આ દેશમાં રહેવું હોય તો વંદે માતરમ્ અને જન ગણ મન બોલવું જ પડશે.” બીજી તરફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ સરકારના આદેશનો વિરોધ કરતાં તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે.
મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સુવેન્દુ અધિકારીએ રાજ્યની તમામ શાળાઓ અને મદ્રેસાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ ગાન ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સામે AIMPLBના પ્રવક્તા ડૉ. એસક્યુઆર ઇલ્યાસે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને તેના ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ જઈને કોઈ ગીત કે પાઠ બોલવા મજબૂર કરવું મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાય છે. બોર્ડે મુસ્લિમ વિદ્યાર્થીઓને આમાંથી મુક્તિ આપવા અથવા આદેશ સંપૂર્ણપણે પાછો ખેંચવા માંગ કરી છે.
આ પણ વાંચો: શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
આક્ષેપોનો જવાબ આપતાં સુવેન્દુ અધિકારીએ કહ્યું કે “વંદે માતરમ્ ભારતની સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું પ્રતિક છે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટનું સન્માન કરવું અને રાષ્ટ્રીય ગીત ગાવું દરેક નાગરિકની ફરજ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “ભારત હિંદુસ્તાન તરીકે ઓળખાય છે અને દેશ કોઈના હાથમાં જવા દેવાશે નહીં.”
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ બંગાળ સરકારના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે ‘વંદે માતરમ્’ સમગ્ર દેશનું રાષ્ટ્રીય ગીત છે અને તેને ધર્મ કે રાજકારણ સાથે જોડવું યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે રાજકીયકરણ માટે કોઈ સ્થાન નથી.
