સંસદના ચોમાસુ સત્રમાં શાસક-વિપક્ષ વચ્ચે ખરાખરીના ખેલ થવાના અણસાર
કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, પાસ થઈ જશે; બહુમતી મેળવવામા DMKની ભૂમિકા નિર્ણાયક બની શકે છે તેવી ચર્ચા
સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકાર બે અત્યંત મહત્ત્વના બંધારણીય સુધારા બિલ પાસ કરાવવા માટે ભરપૂર જોર લગાવી રહી છે. આ બે બિલોમાં 2029થી મહિલા અનામત લાગુ કરવા અને લોકસભાની સીટોની સંખ્યા 543થી વધારીને 850 કરવાનું સીમાંકન ખરડો સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસે પણ લડતનું એલાન કર્યું છે. સરકાર બે મહત્વના બિલ પાસ કરાવવા બધા વિકલ્પ ચકાસી રહી છે. આમ આ સત્રમા ખરાખરીના ખેલ થઈ શકે છે.
માત્ર ત્રણ મહિના પહેલા એપ્રિલમાં યોજાયેલા વિશેષ સત્ર દરમિયાન આ બંને બિલ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પડી ભાંગ્યા હતા. એનડીએ સરકાર માટે ડીએમકે મોટો ટેકો બની શકે છે તેવી ચર્ચા સંભળાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ એવો વિશ્વાસ દર્શાવ્યો છે કે આ બંને મહત્વના બિલ પાસ થઈ જવાની પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: યુપીના મૌલાનાનું શ્રીકૃષ્ણ ભગવાન વિષે વિવાદિત નિવેદન
કોઈપણ બંધારણીય સુધારા બિલને પાસ કરાવવા માટે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર પડે છે. હાલમાં એનડીએ પાસે 293 સાંસદોનું સંખ્યાબળ છે. ટીએમસી, શિવસેના યુબિટી અને શરદ પવારની પાર્ટીના આડકતરા સમર્થન તેમજ અન્ય પક્ષોને જોડ્યા બાદ પણ આ આંકડો આશરે 332 સુધી પહોંચે છે. આમ, સરકાર હજુ પણ જાદુઈ આંકડાથી 28 સીટો દૂર છે. આ સ્થિતિમાં 22 લોકસભા સાંસદો ધરાવતી ડીએમકે આ સમગ્ર ખેલમાં ‘કિંગમેકર’ બનીને ઉભરી શકે છે.
સીમાંકન બિલનો સૌથી વધુ વિરોધ ડીએમકે અને તેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે જનસંખ્યા નિયંત્રણમાં જે દક્ષિણના રાજ્યોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેમને વસ્તીના આધારે થનારા સીમાંકનને કારણે લોકસભાની બેઠકો ગુમાવવી પડશે અને આ ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણના રાજ્યો સાથે મોટો અન્યાય હશે. એપ્રિલ મહિનામાં કોંગ્રેસ, સપા અને ડીએમકેના વિરોધને કારણે જ આ બિલ પસાર થઈ શક્યું નહોતું.
પ્રાદેશિક પક્ષોના કેટલાક વધુ સાંસદો તૂટી શકે છે, સરકારને બળ મળી શકે
એનડીએ માટે અનેક વિકલ્પો છે. તો બીજી બાજુ વિપક્ષ પણ ખેલ કરવાના મૂડમાં છે. જોકે, હજુ પણ બહુમતી માટે જરૂરી બે તૃતીયાંશ મત એટલે કે 352 સાંસદો કરતા ઓછું છે. એવું માનવામાં આવે છે કે મતદાન દરમિયાન ગેરહાજર રહેવા અને વોકઆઉટ કરવાની રણનીતિ પર સરકાર કામ કરી શકે છે તેમજ પ્રાદેશિક પક્ષોના કેટલાક વધુ સાંસદો તૂટી શકે છે. આ માટે ભાજપની નજર ઝારખંડના ઝામુમો અને ઓડિશાના બીજુ જનતા દળ પર છે.
કોંગ્રેસ સીમાંકન બિલનો વિરોધ કરી દાન ચોરી, પેપર લીકના મુદ્દા ઉઠાવશે
કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે વ્યૂહનીતિ ઘડી કાઢી છે. પાર્ટીની સંસદીય વ્યૂહરચના સમિતિની લગભગ દોઢ કલાક સુધી બેઠક યોજાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને સાંસદ નાસિર હુસેને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, અમારી પાર્ટી સરકારના મુખ્ય વિધેયકોનો વિરોધ કરશે. કોંગ્રેસે કહ્યું કે, સીમાંકન, બંધારણીય સુધારો, ‘વન નેશન, વન ઈલેક્શન’, એફસીઆરએ સુધારો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સૂચિત ફેરફારોનો વિરોધ કરશે. દાન ચોરી અને પેપર લીકના મુદ્દા પણ ઉઠાવશે.
