યુપીના મૌલાનાનું શ્રીકૃષ્ણ ભગવાન વિષે વિવાદિત નિવેદન
કૃષ્ણ પણ 5 ટાઈમ નમાઝ પઢતા હતા તેમ કહી ગીતાના શ્લોકનું પઠન કરી ખોટું અર્થઘટન કરતાં ભારે હોબાળો; 2023ના ભાષણનો વિડીયો ફરી વાયરલ કરાયો
ઉત્તર પ્રદેશના ઇટાવા ગામના મુસ્લિમ મૌલાના જરજિસ અંસારીનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યું છે. મૌલાનાએ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણ પર એક વિવાદાસ્પદ દાવો કરીને નવો વિવાદ છેડ્યો છે, જેને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલો અત્યારે કોર્ટમાં છે ત્યારે જ આ મામલો ફરી પ્રકાશમાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં મૌલાના જરજિસ અંસારીએ દાવો કર્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણ વાસ્તવમાં મુસ્લિમ હતા અને તેઓ ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કરતા હતા. મૌલાનાએ આટલેથી જ ન અટકતા એવું પણ નિવેદન આપ્યું કે શ્રીકૃષ્ણ ભગવાન પોતે પાંચ સમયના નમાજી હતા અને તેઓ નિયમિત નમાઝ પઢતા હતા.
આ પણ વાંચો: કચ્છમાં અષાઢી બીજે માત્ર 3 મિનિટમાં ઉપરા ઉપરી આવ્યા ભૂકંપના બે આંચકા
મળતી માહિતી મુજબ, મૌલાના જરજિસ અંસારીનો આ વાઇરલ વીડિયો ગત 23 જૂનના રોજ ઝારખંડમાં આયોજિત એક ધાર્મિક સભા દરમિયાનનો છે. આ ભાષણ વખતે મૌલાનાએ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનો પોતાની રીતે ‘ખોટો અર્થ’ કાઢીને પોતાના દાવાને સાચો સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પોતાના ભાષણમાં મૌલાનાએ જણાવ્યું કે, ‘જો અમારા ભાઈઓ ખોટું ન લગાડે તો, કૃષ્ણજી પણ પાંચેય સમયની નમાઝ પઢતા હતા. જો વિશ્વાસ ન આવતો હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો 10મો શ્લોક જોઈ લો.’ એમ કહીને તેણે શ્લોકનું પઠન પણ કર્યું હતું. મૌલાનાએ આ શ્લોકનો અર્થ સમજાવતા કહ્યું કે, ‘આમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જ્યારે ઈશ્વરની આરાધના કરો ત્યારે આખા શરીરનો યોગ કરો. આનો અર્થ એ કે પૂજા માત્ર ઊભા રહીને નહીં, પણ આખા શરીરના વળાંક સાથે (નમાઝની જેમ) થવી જોઈએ.’
હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ યુપીના અનેક શહેરોમાં દેખાવ
ભગવાન શ્રીકૃષ્ણ અને હિન્દુ ધર્મ વિશે મૌલાના દ્વારા કરવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદન બાદ હિન્દુ સંગઠનો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ અનેક હિન્દુ સંગઠનોએ મૌલાના જરજિસનો ઉગ્ર વિરોધ કર્યો છે અને પોલીસ તંત્ર પાસે તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. યુપીના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
