લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
સંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે છેતરપિંડી થઈ હોવાનું માની શકાય નહીં : સર્વોચ્ચ અદાલત
સમાજમાં લગ્ન પહેલાંના સંબંધોને લઈને હજુ પણ અનેક પૂર્વગ્રહો પ્રવર્તે છે ત્યારે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના અવિવાહિત વ્યક્તિઓ વચ્ચે સંમતિથી બનેલો શારીરિક સંબંધ કોઈ વ્યક્તિના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરવાનો આધાર બની શકતો નથી. માત્ર સંબંધનો અંત લગ્નમાં ન આવે એટલા માટે તેને છેતરપિંડી કે નૈતિક અધોગતિ તરીકે જોવો પણ યોગ્ય નથી.
જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે કાયદો બે પુખ્ત વયના અવિવાહિત વ્યક્તિઓને પોતાની પસંદગી મુજબ સંબંધ રાખવાથી રોકતો નથી. તેથી આવા સંબંધોને આધારે કોઈ વ્યક્તિ વિશે નકારાત્મક અભિપ્રાય બાંધવો યોગ્ય નથી.
કોર્ટે આ અવલોકનો તેલંગાણાના ગાજુલા તિરુપતિ નામના પોલીસ કોન્સ્ટેબલ ભરતી ઉમેદવારના કેસમાં કર્યા હતા. તિરુપતિની પસંદગી માત્ર એટલા માટે રદ કરવામાં આવી હતી કે વર્ષો પહેલાં પડોશી યુવતી સાથેના સંબંધને લઈને તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે લોકઅદાલતમાં સમાધાન થઈ ગયું હતું અને બળાત્કાર સહિતના ગંભીર આરોપો આગળ વધ્યા નહોતા.
તેમ છતાં ભરતી બોર્ડે આ ઘટનાને “મોરલ ટર્પિટ્યુડ” એટલે કે નૈતિક અધોગતિ સાથે જોડીને ઉમેદવારી રદ કરી દીધી હતી. મામલો અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચો: દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક સંબંધનું અંતિમ ગંતવ્ય લગ્ન જ હોય એવું જરૂરી નથી. માત્ર સંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે એક પક્ષે બીજા પક્ષને છેતર્યો હોવાનું માનવું ખોટું છે. આજના બદલાતા સામાજિક પરિપ્રેક્ષ્યમાં સત્તાવાળાઓએ પણ વાસ્તવિકતાઓને સમજવી જોઈએ.
કોર્ટે વધુમાં નોંધ્યું કે જો બે પુખ્ત વ્યક્તિઓ લાંબા સમય સુધી સંબંધમાં રહેતા હોય તો તે સંબંધ સંમતિ આધારિત હતો એવી ધારણા ઊભી થાય છે. આવા અનેક કેસોમાં અદાલતે અગાઉ પણ લગ્નના ખોટા વચનના આધારે નોંધાયેલા ગુનાઓ રદ કર્યા છે.
અંતે કોર્ટે તિરુપતિની પોલીસ ભરતી પુનઃસ્થાપિત કરતાં જણાવ્યું કે કોઈ વ્યક્તિના ચારિત્ર્ય કે રોજગારની યોગ્યતા અંગે નિર્ણય અનુમાનના આધારે નહીં પરંતુ કાનૂની રીતે સાબિત થયેલા તથ્યોના આધારે જ લેવો જોઈએ.
ચુકાદાના બહુઆયામી સંકેત
આ ચુકાદો માત્ર એક ભરતી વિવાદનો ઉકેલ નથી, પરંતુ આધુનિક ભારતના બદલાતા સામાજિક મૂલ્યોને ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલી મહત્વપૂર્ણ માન્યતા છે. ચુકાદો સ્પષ્ટ કરે છે કે પુખ્ત વયના લોકોના વ્યક્તિગત અને સંમતિ આધારિત સંબંધોને ગુનાહિતતા કે ચારિત્ર્ય સાથે જોડવા ન જોઈએ. સરકાર, ભરતી એજન્સીઓ અને અન્ય સંસ્થાઓ માટે પણ આ ચુકાદો માર્ગદર્શક છે કે તેઓ વ્યક્તિના ખાનગી જીવન અને તેની કાનૂની જવાબદારી વચ્ચે સ્પષ્ટ ભેદ જાળવે. સાથે જ ખોટા વચન, નિષ્ફળ પ્રેમસંબંધ અને સંમતિ આધારિત સંબંધો વચ્ચેની કાનૂની રેખા વધુ સ્પષ્ટ બનાવવાનો પણ આ પ્રયાસ છે. વ્યક્તિગત સ્વતંત્રતા, સંમતિ અને ગૌરવના અધિકારને મજબૂત બનાવતો આ ચુકાદો ભવિષ્યના અનેક ફોજદારી અને સેવા સંબંધિત કેસોમાં મહત્વનો સંદર્ભ બની શકે છે.
સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ:
● બે પુખ્ત અવિવાહિત વ્યક્તિઓ વચ્ચેનો સંમતિ આધારિત શારીરિક સંબંધ ચારિત્ર્યનું માપદંડ બની શકતો નથી.
● કાયદો પુખ્ત અવિવાહિત વ્યક્તિઓને પોતાની પસંદગીના સંબંધ રાખવાથી રોકતો નથી.
● દરેક સંબંધનું અંતિમ પરિણામ લગ્ન જ હોય એવું જરૂરી નથી.
● સંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે છેતરપિંડી થઈ હોવાનું માની શકાય નહીં.
● લાંબા સમય સુધી ચાલેલા સંબંધમાં સંમતિ હોવાનું પ્રાથમિક અનુમાન માન્ય ગણાય.
● લોકઅદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલ કર્યો હોવાનું પુરાવું નથી.
● ફરિયાદી પોતે કેસ આગળ ન ધપાવે ત્યારે તંત્ર અનુમાનના આધારે નકારાત્મક તારણ કાઢી શકતું નથી.
● કોઈ વ્યક્તિના ચારિત્ર્ય અંગે નિર્ણય પુરાવાના આધારે લેવો જોઈએ, અનુમાનના આધારે નહીં.
