કેનેડામાં પાર્ટ ટાઇમ નોકરી માટે ભારતીય છાત્રો કતારમાં
કેનેડામાં અભ્યાસ સાથે પાર્ટ ટાઇમ નોકરી કરીને ખર્ચ કાઢવાનો પ્રયાસ કરતા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં બેરોજગારી સામે સંઘર્ષ કરી રહ્યા છે.કેનેડામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીએ તાજેતરમાં એક વીડિયો વાયરલ કરી વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.
દરઅસલ નિશાંત નામનો એ વિદ્યાર્થી એક મહિનાથી નોકરીની શોધમાં હતો.એ દરમિયાન કેનેડિયન કોફી હાઉસ ટિમ હોર્ટન્સ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ થતાં તે અરજી આપવા પહોંચ્યો ત્યારે ત્યાં બીજા સેંકડો ઉમેદવારોની લાંબી કતાર લાગી હતી. તેણે કહ્યું કે નોકરી ઇચ્છુકોની આટલી લાંબી લાઈન નિહાળીને સ્થાનિક ગોરા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે કહ્યું કે મે બાયોડેટા જમા કરાવી દીધો છે પણ નોકરી મળશે કે નહીં એ ખબર નથી. તેણે કહ્યું,’ સંઘર્ષ જારી છે.’
વધતી બેરોજગારીને કારણે વિદેશી છાત્રોની કફોડી હાલત
કેનેડામાં માર્ચમાં 2,200 લોકોએ નોકરીઓ ગુમાવી હતી, જેમાં મોટાભાગના સર્વિસ સેક્ટરના હતા. આના કારણે આ વર્ષે માર્ચની શરૂઆતમાં બેરોજગારીનો દર 6.1 ટકાના 26 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. કેનેડાનો બેરોજગારી દર મે મહિનામાં ચાર મહિનામાં ત્રીજી વખત ફરી વધ્યો. બ્લૂમબર્ગના અહેવાલમાં સ્ટેટિસ્ટિક્સ કેનેડાને ટાંકીને જણાવાયું છે કે દેશમાં બેરોજગારીનો દર 0.1 ટકા વધીને 6.2 ટકા થયો છે.આ સંજોગોમાં વિદેશી છાત્રોની નોકરી મેળવવાની તકો ઉપર તરાપ લાગી રહી છે.