નીટ યુજી : રવિવારે ફરીથી પરીક્ષા આપવા અડધા ઉમેદવારો આવ્યા જ નહીં !
1563 માટે ફરી આયોજન થયું હતું પણ 813 ઉમેદવારો જ આવ્યા : ગુજરાતનાં 1 જ ઉમેદવાર હતા જેમણે ભાગ લીધો
નીટ યુજી પરીક્ષાના 1563 ઉમેદવારો માટે રવિવારે ફરી પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ માટે દેશભરમાં ગુજરાત સહિત ચંડીગઢ, હરિયાણા, છત્તીસગઢ અને મેઘાલયમાં કુલ સાત પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા હતા. જો કે આ પરીક્ષા આપવા 813 એટલે કે 52% ઉમેદવારો જ આવ્યા હતા. જ્યારે 750 ઉમેદવારો પરીક્ષામાં શામેલ થયા જ નહતા. 48 ટકા સ્ટુડન્ટ આવ્યા નહતા. નોંધનીય છે કે, ગુજરાતમાં ફક્ત એક ઉમેદવારે પરીક્ષા આપવાની હતી, જે હાજર રહ્યો હતો.
ચંદીગઢ કેન્દ્રમાં એક પણ ઉમેદવાર ન આવ્યા
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં આજે (23 જૂન) જણાવ્યું હતું કે, નીટ યુજી પરીક્ષાના 1563 ઉમેદવારો માટે આજે ફરી સાત કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. એનટીએએ એમ પણ કહ્યું કે, ચંદીગઢમાં એક પરીક્ષા કેન્દ્ર હતું, જે પોલીસ અને નિરીક્ષકો સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે ઉભું કરાયું હતું. આ કેન્દ્ર પર માત્ર બે ઉમેદવારોએ પરીક્ષા આપવાની હતી, જોકે તેઓ આવ્યા ન હતા.