દુનિયાભરમાં મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોનની ધૂમ
વડાપ્રધાન મોદીએ લોકસભામાં જેની ગૌરવથી વાત કરી હતી તેના વિષે જાણો ……
ચીન, વિયેટણાંની હવા કાઢી નાખી : ભારતથી મોબાઈલ નિકાસમાં 40 ટકાથી વધુની તેજી : ચીનના એક્સપોર્ટમાં પછડાટ : તેનો 50 ટકા હિસ્સો ભારતને મળી ગયો
મોબાઈલ ફોનની નિકાસના સંદર્ભમાં ભારત વિશ્વના નકશા પર ઝડપથી ઉભરી રહ્યું છે. મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યા છે. આ સાથે ભારત ચીન અને વિયેતનામ સાથેનું અંતર ઝડપથી પૂર્ણ કરી રહ્યું છે. વૈશ્વિક વેપારના ડેટા મુજબ અગાઉના વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ચીન અને વિયેતનામમાંથી મોબાઈલની નિકાસ અનુક્રમે 2.78% અને 17.6% ઘટી છે. વડાપ્રધાન મોદીએ પણ લોકસભામાં ભારતની આ ક્ષેત્રની પ્રગતિ અંગે ગૌરવથી વાત કરી હતી.
આ સમયગાળા દરમિયાન ભારતમાંથી નિકાસમાં 40.5%નો વધારો થયો છે. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ભારતે ચીન અને વિયેતનામમાંથી મોબાઈલ ફોનની નિકાસમાં લગભગ 50 ટકાની ઘટને દૂર કરી લીધી છે. તે સ્પષ્ટ છે કે ચીનથી સપ્લાય ચેઇનમાં શિફ્ટનો મોટો હિસ્સો મેળવવાનો ઉદ્દેશ હાંસલ કરવામાં આવ્યો છે.
સ્માર્ટફોન પીએલઆઈ સ્કીમની જાહેરાત ચીનથી સપ્લાય ચેઇનમાં થતા ફેરફારોને કેપ્ચર કરવાના હેતુથી કરવામાં આવી હતી. તેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. ચીન મોબાઈલ ફોનના નિકાસમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ ભારત પણ તેને પકડી રહ્યું હોવાનું જણાય છે.
ચીનની નિકાસ ઘટી
ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (ITC)ના ડેટા અનુસાર, મોબાઇલ ફોનની ચીનની નિકાસ નાણાકીય વર્ષ 2023માં $136.3 બિલિયનથી ઘટીને નાણાકીય વર્ષ 2024માં $132.5 બિલિયન થવાની ધારણા છે. 3.8 બિલિયન ડોલર એટલે કે 2.8% નો ઘટાડો થયો હતો. એ જ રીતે વિયેતનામમાં પણ મોબાઈલની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. તે નાણાકીય વર્ષ 2023માં $31.9 બિલિયનથી ઘટીને નાણાકીય વર્ષ 2024માં $26.27 બિલિયન થશે. એટલે કે કુલ નિકાસમાં 17.6% એટલે કે 5.6 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બંને દેશોની કુલ નિકાસ $9.4 બિલિયન રહી હતી.
પીએલઆઈ યોજના
આઇટીસી એ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનની સંયુક્ત એજન્સી છે. તે 1968 થી કાર્યરત છે. તે 220 દેશો અને 5,300 ઉત્પાદનોને આવરી લે છે. ભારતની મોબાઇલ ફોનની નિકાસ FY2023માં $11.1 બિલિયનથી વધીને FY2024માં $15.6 બિલિયન થવાની તૈયારીમાં છે, જે $4.5 બિલિયનનો વધારો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ‘ડેટા દર્શાવે છે કે ચીન અને વિયેતનામમાંથી મોબાઈલની નિકાસમાં થયેલા કુલ ઘટાડામાં ભારતનો હિસ્સો લગભગ 50% છે.’
નિષ્ણાતોનું કહેવું છે કે મોબાઈલ ફોન નિકાસ ક્ષેત્રમાં ભારતે તેની તકનો લાભ ઉઠાવવો એ સરકાર માટે મોટી જીત છે. ચીન સાથેની ભૌગોલિક રાજકીય સ્થિતિ અને તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ચાઈના પ્લસ 1ની વ્યૂહરચના પર કામ કરી રહી છે. મોદી સરકાર આ કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
આઇફોનનું ઉત્પાદન
અધિકારીઓનો દાવો છે કે સ્માર્ટફોન પીએલઆઈ સ્કીમ સફળ રહી છે. આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલે આ યોજના હેઠળ દેશમાં આઇફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેના ત્રણ મુખ્ય આઇફોન વિક્રેતાઓ ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોને આ યોજનાની શરૂઆત બાદ ભારતમાં તેમના પ્લાન્ટ સ્થાપ્યા છે. એપલે છેલ્લા બે નાણાકીય વર્ષમાં ભારતમાંથી ઉત્પાદન અને નિકાસ બમણી કરી છે. કંપનીનું ઉત્પાદન FY23માં $7 બિલિયનથી વધીને FY24માં $14 બિલિયન થયું. આ સમયગાળા દરમિયાન તેની નિકાસ $5 બિલિયનથી વધીને $10 બિલિયનથી વધુ થઈ ગઈ છે. ભારતની મોબાઈલ નિકાસમાં iPhonesનો હિસ્સો 65% અને તેની ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં ત્રીજા ભાગથી વધુ છે.