`અંગૂરી ભાભી’ના ખુલાસા બાદ વિવાદ ગરમાયો
ખોટો હેરેસમેન્ટ કેસ નોંધાવ્યો હોવાની કબૂલાત બાદ ટીકા તેજ, અભિનેત્રી શિલ્પા શિંદેએ કરી સ્પષ્ટતા
ભાભીજી ઘર પર હૈંમાં અંગૂરી ભાભીનું લોકપ્રિય પાત્ર ભજવી ઘર-ઘરમાં ઓળખ મેળવનારી અભિનેત્રી શિલ્પા શિદે હાલમાં એક મોટા વિવાદમાં સપડાઈ છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે વર્ષ ૨૦૧૬માં શોના નિર્માતા સંજય કોહલી સામે નોંધાવેલો યૌન ઉત્પીડનનો કેસ ખોટો હોવાનું સ્વીકાર્યું હતું. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર તેમની સામે ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
વિવાદ વચ્ચે શિલ્પાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે તેઓ વર્ષોથી એક જૂઠ્ઠાણાનો બોજ લઈને જીવતી હતી અને હવે સત્ય બોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તે સમયગાળા દરમિયાન તેઓ ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે આત્મહત્યાના વિચારો પણ આવતા હતા. શિલ્પાએ સ્વીકાર્યું કે તે સમયે પોતાની વાત મનાવવા માટે તેમણે નિર્માતા પર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: પરંપરાના નામે સમુદ્રમાં ૭૦૦થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની ઘાતકી હત્યા
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેમણે પૈસા કે કામ મેળવવા માટે આવું કર્યું નહોતું. તેમણે સંજય કોહલી પ્રત્યે પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું કે તેમને માફી માંગવી જોઈએ, જોકે માત્ર માફી શબ્દ તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે પૂરતો નથી. શિલ્પાના આ નિવેદન બાદ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા તેજ બની છે.
શિલ્પા શિદેની ધરપકડની માંગ
અભિનેત્રી શિલ્પા શિદેએ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે વર્ષ ૨૦૧૬માં ભાભીજી ઘર પર હૈંના નિર્માતા સંજય કોહલી સામે લગાવેલો યૌન ઉત્પીડનનો આરોપ ખોટો હતો. આ નિવેદન બાદ દિલ્હી સ્થિત પુરુષ અધિકાર સંસ્થા NCM ઇન્ડિયા કાઉન્સિલ ફોર મેન અફેર્સે મુંબઈ પોલીસ સમક્ષ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંસ્થાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને શિલ્પા શિદેની ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા અને વિવાદ સતત વધી રહ્યો છે.
