ગુનો એકસરખો, સજા બધાને અલગ અલગ !! ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ કે ‘કમાણી’ માટે મોકળું મેદાન ??
એક વર્ષમાં નશાકારક ગણાતી કોડિન સીરપનું વેચાણ કરતા ૧૦ મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ વિભાગે દરોડા પાડ્યા તમામને એકસરખી સજા કરવાને બદલે કોઈનું લાયસન્સ ૧૫ દિવસ માટે તો કોઈનું ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યું, આવું શા માટે ?
દસમાંથી એક મેડિકલનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું: સજાની માત્રા અધિકારીએ નક્કી કરવાની કે કાયદો કરે ? જાણકારોનો પ્રશ્ન
વળી, જે મેડિકલનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું તે પૈકીના લગભગ તમામે દવાનું વેચાણ ચાલું જ રાખ્યાનો ગણગણાટ
રાજકોટમાં અત્યારે ૧૨૦૦થી વધુ મેડિકલ સ્ટોર કાર્યરત છે જ્યાંથી દરરોજ લાખો-કરોડો રૂપિયાની દવાનું વેચાણ થતું હોવાનો અંદાજ છે. આ મેડિકલ સ્ટોર દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી રહી નથી કે પછી નિર્ધારિત માત્રા કરતાં નશાના ઉપયોગ માટે કોઈ દવાનું વેચાણ તો કરવામાં આવી રહ્યું નથી ? તે સહિતની બાબતો ઉપર નજર રાખવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કામ કરે છે પરંતુ આ વિભાગની કામગીરી થોડી નહીં બલ્કે ઘણી બધી રીતે શંકાસ્પદ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ત્યારે તેનો એક પૂરાવો પણ વોઈસ ઓફ ડે’ને હાથ લાગ્યો છે. સામાન્ય રીતે એક જ પ્રકારનો ગુનો હોય તો તેની સજા પણ એકસરખી જ હોય છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માટે સજાની વ્યાખ્યા જાણે અલગ હોય તે રીતે સગવડરૂપ’ સજા કરાઈ હોય તેવું લાગ્યા વગર રહેતું નથી !
વોઈસ ઓફ ડે’ પાસે રહેલા સત્તાવાર પૂરાવાની વાત કરવામાં આવે તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક વર્ષની અંદર રાજકોટમાં એવા ૧૦ મેડિકલ સ્ટોર કે જ્યાંથી નશાકારક ગણાતી કોડિન સીરપનું ગેરકાયદે વેચાણ કરતાં હોવાથી દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામનો ગુનો ગણો તો ગુનો અને ભૂલ ગણો તો ભૂલ બધું એક સરખું જ હતું અને એ છે કે કોડિન સીરપનું વેચાણ…! જો કે આ નવ પૈકી અમુક મેડિકલનું લાયસન્સ ૧૫ દિવસ માટે તો અમુક મેડિકલનું લાયસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું ત્યારે બધાએ કોડિન સીરપનું જ વેચાણ કર્યું હોવાથી શા માટે તમામને એકસરખી સજા કરવામાં ન આવી તેવો સવાલ અત્રે ઉઠ્યા વગર રહેતો નથી.
આશ્ચર્યની વાત એ છે કે નવ પૈકી કોઠારિયા ગેઈટ સામે ઓપેરા પોઈન્ટમાં આવેલા રાજ મેડિકલ સ્ટોર અને સરધાર ગામે સીતારામ બાપુની મઢી પાસે આવેલા શ્રીરામ મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરી નાખવામાં આવ્યું હતું કેમ કે આ બન્ને દ્વારા કોડિન સીરપ સહિતની દવાના વેચાણ તેમજ ખરીદીનો રેકોર્ડ રાખવામાં આવ્યો ન્હોતો.
જ્યારે બાકીના મેડિકલ સ્ટોર જેમાં રાયઝન ઓવરસીઝ, ક્રિસ્ટલ રેમેન્ડિસ પ્રા.લિ., ગેલેક્સી ફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ, એસ.એસ.મેડિકલ એજન્સી, રાજકોટ મેડિકલ એજન્સી, મે.રાઘવ મેડિકલ સ્ટોર્સ, મે. વેલનેસ મેડિસીન અને મે. ભક્તિ મેડિકલ સ્ટોર પૈકી અમુકનું ૧૫ દિવસ તો અમુકનું ૬૦ દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ તમામ દ્વારા કોડિન સીરપનું નિયમ વિરુદ્ધ વેચાણ કરવામાં આવ્યું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે.
આઠમાંથી પાંચ મેડિકલ સ્ટોરમાં એક જ અધિકારી દ્વારા તપાસ !!
એવી વિગત પણ જાણવા મળી છે કે આઠમાંથી પાંચ મેડિકલ સ્ટોર ઉપર એક જ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ એ જ અધિકારી છે જેમના વિરુદ્ધ ભૂતકાળમાં આરોગ્ય કચેરીથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ ચૂકી છે આમ છતાં તેઓ સુધરવાનું નામ લઈ રહ્યા નથી. આ અધિકારી દ્વારા મેડિકલ સ્ટોર જેવો વજન’ આપે તે પ્રકારે સગવડરૂપ સજા કરી આપતાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જો કે આ ચર્ચાનેવોઈસ ઓફ ડે’ સમર્થન આપતું નથી.