રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
ફોર્મની વિગતો ભરી ડિપોઝીટ અને એડવાન્સ ભાડા સાથે બેંકમાં ફોર્મ રજુ કરવાનું રહેશે
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના તહેવાર પર યોજાતા ભાતીગળ લોકમેળાની આ વર્ષે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડી, આઇસ્ક્રીમના પ્લોટ અને યાંત્રિક રાઇડ માટેના ૨૨૮ સ્ટોલ માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્લોટમાં મોંઘવારીને ધ્યાને લઇને ૨થી ૫ ટકાનો ભાડા વધારો ઝીંકવામાં આવ્યો છે.
રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર પર ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ૨ સપ્ટેમ્બર રાંધણ છઠ્ઠથી લઇને ૬ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર લોકમેળાનો લે-આઉટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ એન્ટ્રી ગેઇટ રાખવામાં આવ્યા છે જ્યારે લોકમેળામાં ૨૨૮ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં `બી’ કેટેગરીમાં રમકડાના ૧૦૦ પ્લોટ, `સી’ કેટેગરીમાં ખાણીપીણીના નાના સ્ટોલ, `જે’ કેટેગરીમાં મધ્યમ ચકરડી, અને `કે’ કેટેગરીમાં નાની ચકરડીના પ્લોટ ફાળવ્યા છે. જેમાં ફોર્મ ભરાયા બાદ ડ્રો કરી જે-તે વેપારીને પ્લોટ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો: પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
આ ઉપરાંત `એ’ કેટેગરીમાં એકસ્પો, એક્ઝીબીશન, ખાણીપીણી અને વિવિધ પ્રદર્શન માટેના પ્લોટ, `બી-૧’ કેટેગરીમાં મોટા ખાણીપીણીના સ્ટોલ, `એકસ’-કેટેગરીમાં આઇસ્ક્રીમના ચોકઠા અને `ડી’ કેટેગરીમાં સરકારી સંસ્થાને પ્લોટ ફાળવવામાં આવશે જેમાં `એ’, `બી-૧’ અને `એકસ’ કેટેગરીના પ્લોટની હરરાજી રાખવામાં આવશે. રાજકોટના ત્રિકોણબાગ પાસે આવેલ તોરલ બિલ્ડીંગ, ઇન્ડિયા બેંક ખાતે આજથી તમામ સ્ટો, પ્લોટ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦ રૂપિયામાં ફોર્મ આપવામાં આવે છે. જેમાં વિગતો ભરી દસ્તાવેજી પુરાવા સાથે ડિપોઝીટ અને એડવાન્સ ભાડા સાથે અરજી કરવાની રહેશે.
આજથી લોકમેળાના શરૂ થયેલા ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર સહિતના ત્રણ કર્મચારીઓને ઇન્ડિયા બેંક ખાતે નોકરી ફાળવવામાં આવી છે અને આગામી ૨૮ જુલાઇ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમ લોકમેળા સમિતિએ જણાવ્યું છે.
લોકમેળાના ફોર્મ સાથે વેપારીઓને જુદા-જુદા ૩૮ નિયમોનું પાલન કરવાનું રહેશે જે નિયમો સાથેનું અરજી ફોર્મ આપવામાં આવે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી કે યાંત્રિક રાઇડના સંચાલકનો લોકમેળા સમિતિ એલોટમેન્ટ લેટર રદ્ કરી શકે છે.
