લાઈટિંગ બેન્ચીસ, રોડ ફરતે આધુનિક લાઈટ: રેસકોર્સ રિંગરોડનો આવશે `જમાનો’
પહેલીવાર કલરફુલ લાઈટથી ઝગમગતાં બાકડા મુકાશે, બહુમાળી ચોકમાં સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ પણ ઝળહળી ઉઠશે
સોલાર બેન્ચીસ પણ મુકાશે: રંગીન લેમ્પ ટ્રાફિક જંક્શનની વધારશે શોભા
રાજકોટમાં રહેતી અમીર વ્યક્તિ કે ગરીબ વ્યક્તિ કોઈ પણ એવું નહીં હોય જેઓ ત્રણ કિલોમીટરના રેસકોર્સ રિંગરોડની `લટાર’ મારવા નીકળ્યા ન હોય. રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્ય અને વિદેશમાંથી આવતા લોકોને પણ રાજકોટની આગવી ઓળખ એવા રિંગરોડનાં દર્શન કરવા જ પડે છે. હવે આ રોડનો `જમાનો’ આવી રહ્યો હોય તે પ્રકારે મહાપાલિકા દ્વારા અહીં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવનાર છે જેની દરખાસ્ત પર આજે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: `અંગૂરી ભાભી’ના ખુલાસા બાદ વિવાદ ગરમાયો
રેસકોર્સ રિંગરોડ ફરતે મહાપાલિકા દ્વારા આકર્ષક બાકડા મુકવામાં આવશે જેમાં અલગ-અલગ કલર જોવા મળશે. આ બાંકડા ત્રણ કિલોમીટરના એરિયામાં અલગ-અલગ સ્થળે મુકવામાં આવશે. આ ઉપરાંત બહુમાળી ભવન ચોકમાં સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે ત્યાં પણ લાઈટિંગ કરાશે. વિવિધ સ્થળે સ્કલ્પચર મુકવા, રોડની ડાબી બાજુ લાઈટ ફિટ કરવી, ટ્રાફિક જંક્શન પર લેમ્પ અને સ્ટ્રીપ લાઈટસનું ફિટિંગ કરવા તેમજ સોલારથી સંચાલિત થાય તેવા બાકડા મુકવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
આ અંગે ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ રાજકોટ, સુરત અને અમદાવાદની ચાર એજન્સીએ રસ દાખવ્યો હતો જેમાં સુરતની વોટર વર્લ્ડ પ્રા.લિ.એ ૨.૮૮ કરોડ (જીએસટી સહિત)માં કામ કરવા તૈયારી દર્શાવતાં તેને આ કામ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે જેના પર આજે નિર્ણય લેવાશે.
