અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”
અમેરિકાએ પરમાણુ અને સૈન્ય ઠેકાણાં સહિત અનેક લક્ષ્યો ધ્વસ્ત કર્યા
ઈરાને કુવૈતમાં અમેરિકી બેઝને નિશાન બનાવ્યા, હોર્મુઝની સ્થિતિ વધુ તંગ બની
જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકાએ સતત નવમી રાત્રે ઈરાન સામે વ્યાપક હવાઈ હુમલાઓ કરીને પરમાણુ, એર ડિફેન્સ અને મિસાઇલ સંગ્રહ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. તેના જવાબમાં ઈરાને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર ડ્રોન હુમલા કરી હોર્મુઝ જળમાર્ગમાં દબાણ વધાર્યું હતું. બંને દેશો વચ્ચે સીધા યુદ્ધની સ્થિતિ સર્જાતાં સમગ્ર મધ્યપૂર્વમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઘેરાયું છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જોર્ડનમાં અમેરિકન સૈનિકોના મૃત્યુ માટે જવાબદાર ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ને જડબાતોડ જવાબ આપ્યા હોવાનું જણાવ્યું હતું. હુમલામાં દરિયાકાંઠાના સર્વેલન્સ કેન્દ્રો, એર ડિફેન્સ સિસ્ટમો, મિસાઇલ ડેપો તેમજ નિર્માણાધીન ડારખોવિન પરમાણુ વીજ પ્રકલ્પને નિશાન બનાવાયો. ઈરાને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલ્લો ભંગ ગણાવ્યો.
એ હુમલાઓ બાદ ઈરાને થોડા જ કલાકોમાં કુવૈતમાં આવેલા અમેરિકી કેમ્પ ઉદૈરી અને અલી અલ સેલેમ એરબેઝ પર ડ્રોન હુમલા કરીને દારૂગોળાના ભંડાર અને પેટ્રિયટ રડાર સિસ્ટમને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ જોર્ડન અને બહેરીનમાં સાયરન ગૂંજ્યા હતા.બન્ને દેશના હવાઈ સુરક્ષા દળોએ ઈરાનના અનેક મિસાઇલ અને ડ્રોન તોડી પાડ્યા હતા.
આ પણ વાંચો: હવે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો: ત્રીજા બાળકનો ભોગ લીધો
ઇઝરાયલે પણ અમેરિકા તરફથી વધુ એર-ટેન્કર વિમાનો આવવાની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું, જેના કારણે સંઘર્ષ વધુ વિસ્તરવાની આશંકા વધી છે. બીજી તરફ હોર્મુઝ જળમાર્ગને લઈને બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બનતા રાજદ્વારી પ્રયાસો પણ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
સાયરન, હુમલા અને ભયથી ખાડી દેશોની શાંતિ છીનવાઈ
અમેરિકા અને ઈરાન વચ્ચેના પ્રચંડ હુમલાઓથી કુવૈત, જોર્ડન, બહેરીન અને આસપાસના ખાડી દેશોમાં સતત સાયરન વાગી રહ્યા છે. કુવૈતના ડીસેલિનેશન પ્લાન્ટ પર સતત બીજા દિવસે હુમલો થતાં આગ લાગી હતી, જેના કારણે પીવાના પાણીની સુરક્ષા અંગે ચિંતા વધી છે. જોર્ડનમાં અકાબા તરફ આવતી મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી, જ્યારે બહેરીને પોતાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસેલા ઈરાની ડ્રોન અને મિસાઇલોને નષ્ટ કર્યા હોવાનું જણાવ્યું. સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.
ઈરાનમાં 50નાં મોત, 500થી વધુ ઘાયલ; હજારો લોકો બન્યા નિર્વાસિત
ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકાના તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. સતત બોમ્બમારા અને મિસાઇલ હુમલાઓને કારણે હજારો પરિવારોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. યુદ્ધ શરૂ થયા બાદ કુલ મૃત્યુઆંક હજારોમાં પહોંચી ગયો છે, જ્યારે લાખો લોકો આંતરિક રીતે સ્થળાંતર કરવા મજબૂર બન્યા હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે.
