Anant-Radhika 2nd Pre Wedding : અંબાણી પરિવારની પાર્ટીમાં ‘શકીરા’ મચાવશે ધૂમ
ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ, હોલીવુડની તમામ હસ્તીઓ આવી હતી ત્યારે હાલ અનંતના બીજા વેડિંગ સેલિબ્રેશનને લઈને અનેક ચર્ચાઓ થઇ રહી છે. જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું ભવ્યાતિભવ્ય આયોજન કર્યા બાદ લોકોની નજર તેમના લગ્નના ફંક્શન અને બીજા પ્રીવેડિંગ પર જ છે ત્યારે હવે આ કપલ ઇટાલીમાં તેમનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન કરવા માટે તૈયાર છે. અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શકીરા પણ આ બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા જઈ રહી છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.
એક અહેવાલ અનુસાર, શકીરા આ પ્રી-વેડિંગ પાર્ટી દરમિયાન લક્ઝરી ફ્રેન્ચ ક્રૂઝ પર તેના દમદાર પ્રદર્શનથી મહેમાનોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ‘વાકા વાકા’ ગાયક સમુદ્રની મધ્યમાં તેના સૌથી મોટા ચાર્ટબસ્ટર્સ ગીતો ગાશે તેવી અપેક્ષા છે અને તે તેના માટે તેણીએ તગડી ફી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શકીરાને તેના પરફોર્મન્સ માટે 10 થી 15 કરોડ રૂપિયા આપવામાં આવશે. અગાઉ એક સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય ગાયક ગુરુ રંધાવા અને અમેરિકન રેપર પિટબુલ ચાર દિવસીય પ્રી-વેડિંગમાં પરફોર્મ કરશે.રીપોર્ટ અનુસાર , “ગુરુ રંધાવા બીજા દિવસે ઇવેન્ટમાં પિટબુલ સાથે પરફોર્મ કરશે. તે એક મજેદાર કોલેબ હશે જ્યાં મહેમાનો ગુરુના સંગીત અને પિટબુલની ધૂનનો આનંદ માણશે.”
દરમિયાન, અંબાણી પરિવારની ક્રૂઝ પાર્ટી 29 મેથી શરૂ થઈ હતી અને 1 જૂન સુધી ચાલશે, જે મહેમાનોને ફ્રાન્સ અને ઈટાલી લઈ જશે. ક્રુઝ શિપ પર પહેલેથી જ હાજર રહેલાઓમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, અનન્યા પાંડે, સારા અલી ખાન, ઓરીનો સમાવેશ થાય છે.