મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં માથું ટેકવી માફી માંગુ છું: મોદી
35 ફૂટની પ્રતિમા ધારાશાયી થવા બદલ ખેદ વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ ફોર્ટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડવાની ઘટના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરી માફી માંગી હતી.
વડાપ્રધાને ગુરુવારે પાલઘર ખાતે 76,000 કરોડના ખર્ચે બનનારા વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે હું અહીં આવ્યો એ મિનિટેજ મેં પ્રતિમા ધરાશાયી થવા બદલ શિવાજી મહારાજની માફી માગી હતી. તેમણે કહ્યું કે શિવાજી મહારાજ એ માત્ર નામ નથી. હું મારા ભગવાનની માફી માગું છું. વડાપ્રધાને કહ્યું કે જે લોકો શિવાજી મહારાજને દેવતા માને છે એ બધાની લાગણી ઘવાઈ છે અને હું એ લોકોની પણ માફી માગું છું. તેમણે ઉમેર્યું કે અમારા મૂલ્યો અલગ છે. અમારા માટે દેવતાથી વધીને બીજું કાંઈ નથી.
નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં મોદીએ નેવી સેલિબ્રેશનના ભાગરૂપે આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. તાજેતરમાં એ પ્રતિમા તૂટી પડતાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. માત્ર વિપક્ષો જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ અજીત પવારની પાર્ટી એનસીપીના કાર્યકરોએ પણ દેખાવો કર્યા હતા. કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર ) અને ઉદ્ધવ ઠાકરેએ ભ્રષ્ટાચારને કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી, શિવાજી મહારાજનું ઘોર અપમાન થયું હોવાનું જણાવી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાના માંગણી કરી હતી. આ મુદ્દો આગામી ચૂંટણીમાં નડી શકે છે એવું જણાયા બાદ શુક્રવારે ખૂદ વડાપ્રધાને માફી માંગી અને લોકોનો રોષ ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
મુખ્યમંત્રી શિંદે 100 વખત માફી માંગવા તૈયાર
છત્રપતિ શિવાજી મહારાજ લાખો લોકોના અને ખાસ કરીને મરાઠા સમુદાયના આદર્શ પુરુષ છે. તેમની પ્રતિમા કડડભૂસ થઇ જતાં ભાજપ સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે અને એક પછી એક નેતાઓ માફી માગવા લાગ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું કે પ્રતિમા ધરાશયી થવા બદલ જરૂર પડશે તો હું પણ શૂરવીર યોદ્ધા મહારાજા છત્રપતિ મહારાજના ચરણસ્પર્શ કરી સો વખત માફી માગતા પણ અચકાઈશ નહીં.