રાજકોટમાં રૂ.20 હજારમાં ઘરબેઠા ગર્ભપરિક્ષણ કરતી મહિલા પકડાઇ : ત્રણ વર્ષથી ચલાવતી હતી ગોરખધંધો
ગર્ભ પરિક્ષણ કરાવવા ઉપર સરકારનો સખ્ત પ્રતિબંધ છે આમ છતાં અનેક યુગલો આ પરિક્ષણ કરાવવા માટે ચારેય દિશામાં મથી રહ્યા હોય તેમનો લાભ લઈને અમુક નઠારા તત્ત્વો આ ગોરખધંધા સાથે સંડોવાયેલા છે. આવી જ એક ધો.12 પાસ મહિલા કે જે 20 હજારમાં ઘરબેઠા ગર્ભ પરિક્ષણ કરી આપતી હોવાની બાતમી મળતાં જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ડમી ગ્રાહક મોકલીને મહિલાને પકડી પાડી હતી.
એસ ઓ જી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. બી.ધાસુરા, અનોપસિંહ ઝાલા, એએસઆઈ રાજેશ બાળા, સિદ્ધરાજ સિંહ જાડેજા સહિતની ટીમે સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટી શેરી નં.4માં રહેતી સરોજ વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.40)ને પકડી પાડી હતી. એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે સરોજ ગેરકાયદેસર રીતે ગર્ભપરિક્ષણ કરી આપે છે. આ પછી પોલીસે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.મૌલિક ઠાકરને સાથે રાખ્યા હતા સાથે સાથે ડમી સગર્ભા-ગ્રાહક તરીકે મહિલા કોન્સ્ટેબલ મીતલબેન વજુભાઈ ગોહિલ અને તેમના બહેન તરીકે કોન્સ્ટેબલ મોનાબેન બુસાને આ ગોરખધંધો પકડી પાડવા માટેની ટ્રેપમાં સામેલ કર્યા હતા.
જેવું સરોજે મિતલબેનનું ગર્ભપરિક્ષણ કરવાનું શરૂ કર્યું કે તુરંત જ ટીમે ત્રાટકીને તેને પકડી પાડી હતી. સરોજના કબજામાંથી ચાર લાખની કિંમતનું એક સોનોગ્રાફી મશીન, જેલ બોટલ, પ્લાસ્ટિકનું ટેબલ સહિત ૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યા પ્રમાણે સરોજ સીતાજી ટાઉનશિપમાં આ ગોરખધંધો ચલાવતી હતી સાથે સાથે કોઈને ઘરબેઠા પરિક્ષણ કરાવવું હોય તો પોર્ટેબલ સોનોગ્રાફી મશીન ગ્રાહકનો ઘેર લઈ જતી અને ત્યાં પરિક્ષણ કરી આપતી હતી.
અગાઉ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ગયા બાદ સુધરવાના બદલે ધંધો ધમધમાવ્યે રાખ્યો
સરોજ સામે અગાઉ 2021માં કાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છતાં સરોજે સુધરવાના બદલે ધંધો ધમધમાવ્યે રાખ્યો હતો. અગાઉના ગુનામાં છૂટ્યાથી લઈ બીજી વખત પકડાયા સુધીમાં સરોજે 30થી 40 લોકોનું 20,000 લેખે ગર્ભ પરિક્ષણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પહેલાં તે રૈયા રોડ પર કનૈયા ચોક પાસે આવેલા મકાનમાં ગર્ભ પરિક્ષણ કરતી પકડાઈ હતી. એ સમયે તેની સાથે હેતલબા નામની યુવતી પણ પકડાઈ હતી.
આઈએમએના ડૉક્ટર સિવાય આ મશીન કોઈને મળી ન શકેઃ તબીબની સંડોવણી હોઈ શકે
ણ કરતી સરોજ ડોડિયાની ધરપકડ કર્યા બાદ અનેક પ્રકારના ખુલાસા થઈ રહ્યા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ છે ત્યારે તપાસમાં એવી વિગત પણ સામે આવી રહી છે કે સરોજ પાસેથી જે સોનોગ્રાફી મશીન પકડાયું છે તે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના ડૉક્ટર સિવાય કોઈને મળી ન શકે એટલા માટે આ કાંડમાં કોઈ ડૉક્ટરની સંડોવણી પણ નીકળી શકે કેમ કે ડૉક્ટરના નામે જ આ મશીન ખરીદવામાં આવ્યું હોય શકે છે.