100 નંબર પર પોલીસને ફોન કર્યા પછી કંટ્રોલરૂમ કઈ રીતે કરે છે કામ, જાણો સમગ્ર વિગત
તાત્કાલીક મદદ માટે જરૂર પડે તો સીધો સંકટ મોચન માફક એક જ નંબર ક્લિક સાથે ડાયલ થાય એ છે 100 નંબર. ક્રાઈમ કન્ટ્રોલ કરવામાં ૧૦૦ નંબર અને પોલીસ કન્ટ્રોલ રૂમ બન્નેની ભૂમિકા એટલી જ મહત્વની છે અને જવાબદારી ભરેલી છે. કોલ કરનાર કે મદદ માગનારની ઓળખ ગુપ્ત રાખીને કોલ પર ત્વરીત યોગ્ય કાર્યવાહી થાય તો જ નાગરિકો આવી માહિતી આપી શકે અને ગુના બનતા અટકી શકે. કન્ટ્રોલ રૂમની સમસ્યા એ પણ છે કે નહીં જેવા કારણો સાથે પોલીસને દોડાવનારા પણ ખરા-ખોટા કોલ કર્યા રાખે છે. રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલરૂમમાં ૧૦૦ નંબર પર રાત પડે ને પીધેલાઓ-ઝઘડાઓ કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હોવાના કોલનો મારો ચાલે છે.
રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલરૂમની વાત કરીએ તો 24 કલાક ધમધમતા કન્ટ્રોલરૂમમાં ત્રણ શિફ્ટમાં એક પીએસઆઈ, અન્ય ૧૨ કર્મચારીઓ સાથે 38 થી 40નો સ્ટાફ કાર્યરત રહે છે અને પુરા કન્ટ્રોલરૂમની બાગડોર અત્યારે છે કન્ટ્રોલ ઈન્ચાર્જ એસીપી વી.જી. પટેલના હાથમાં.
કન્ટ્રોલરૂમ પર મદદ કે માહિતી માટે 100 નંબરના ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટ અને ત્રણ ઓપરેટર હોય છે. કોલ રિસીવ કરી માહિતીની નોંધ કરે છે અને એ માહિતી ચેનલ-6 ઉપર કામ કરતા કર્મચારીને જે તે પોલીસ મથક વિસ્તારની પોલીસમેનને દોડાવવા માટે આપે છે અને કોલની વિગત એ વિસ્તારની પોલીસ વાન કે પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે.
કન્ટ્રોલરૂમમાં કર્મચારીઓની કામગીરી સિસ્ટમ અનુરૂપ કામ કરે છે કે કેમ તે બધું ઓનલાઈન ચેક કરવા માટે સરકાર દ્વારા કેડ સિસ્ટમ વસાવાઈ છે. આ કેડ સિસ્ટમમાં કોલ આવ્યાથી લઈ કોલ બાબતે એન્ટ્રી કરવામાં આવે છે જેથી ક્યા કોલ પર ક્યારે અને કેવી કાર્યવાહી થઈ જે તે વિસ્તારની પોલીસ કેટલા સમયમાં સ્થળ પર પહોંચી.
ટાઈમ લિમિટ બહાર પહોંચવાનું કારણ શું? જેવી બાબતો પણ નોંધાતી રહે છે, જેનું વિશ્લેષણ ઉચ્ચ અધિકારી દ્વારા થાય છે. આ સિસ્ટમ પાછળનો સરકારનો ભાવાર્થ એવો છે કે ક્યાં પ્રકારના વધુ કોલ આવે છે તેનો સર્વે થઈ શકે અને સાથે પોલીસની કાર્યવાહી કેવી ત્વરીત છે તેનો કયાસ જાણી શકાય. ત્રણેય શિફ્ટમાં સૌથી વધુ કોલ નાઈટ શિફ્ટમાં રાત્રે 9થી 12, એક વાગ્યા સુધી રહેશે. સાહેબ સાંભળો જલ્દી પોલીસ મોકલો અહીં દારૂ પીધેલો છે, અહીં માથાકૂટ ચાલે છે, હથિયાર લઈને મારવા આવ્યા છે.
મારો પતિ મને મારે છે, સાસુ-સસરાએ માર માર્યો છે, ઘરમાં નથી આવવા દેતા. આવા કોલ્સ મહત્તમપણે સ્લમ એરિયામાંથી વધુ આવતા રહે છે. જ્યારે મોડી રાત સુધી ધમધમતા માર્ગો, વિસ્તારોમાં ચા-પાન-નાસ્તાની દુકાનો, હોટલો પર એકઠા થતાં ટોળા કે ટ્રાફિક અડચણ અથવા તો હો-હા, દેકારા કરતાં હોવાના આવે.
રાત્રે ૧૦ વાગ્યા પછી સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. વગાડવા પર પ્રતિબંધ હોવાના નિયમને લઈને રાત્રે ૧૦ વાગ્યા બાદ મેરેજ હોલ, પાર્ટી પ્લોટમાં ચાલતા આવા ફંક્શનોમાં માઈક, ડી. જે., ઓરકેસ્ટ્રા બંધ કરાવવાના આવે છે.
જ્યારે રહેણાંક વિસ્તારો કે આવી જગ્યાઓમાં ધાર્મિક કાર્યક્રમમાં માઈક ચાલુ હોવાના કોલ ધમધમતા રહે છે. રાત્રે એકાદ વાગ્યા સુધી તો કન્ટ્રોલરૂમને આવા ખરા-ખોટા કોલ્સ આવતા રહે છે અને જે તે વિસ્તારની પોલીસને આવા કોલ સંદર્ભે દોડાવવામાં આવે છે.
જ્યારે દિવસ દરમિયાન નાના-મોટા ઝઘડા, અકસ્માત કે આવી કોઈ મદદ માટે અથવા તો ફલાણા માર્ગે, ફલાણી જગ્યાએ, પેલા સર્કલ નજીક ટ્રાફિક જામ થયો છે. વાહનોના થપ્પા લાગ્યા છે, ફસાયા છીએ, જલ્દી પોલીસ મોકલોના કોલ વધુ આવતા રહે છે.
પોલીસ કન્ટ્રોલરૂમનો ક્રાઈમ કન્ટ્રોલ કરવામાં કી રોલ છે. ભલે જાહેરમાં ફિલ્ડમાં ક્યાંય ન હોય કે ન જવાનું હોય પરંતુ તેમની જેટલી સ્પીડી એક્ટિવિટી કે એલર્ટનેશ એટલું ક્વિક રિઝલ્ટ આવે છે.
સાથે કન્ટ્રોલરૂમમાં ગુપ્તતા પણ એટલી જ જળવાવી જોઈએ. કન્ટ્રોલરૂમમાં ફોન કરનાર વ્યક્તિ અતિ વિશ્વાસ સાથે માહિતી આપે છે એ માહિતી પર જેટલું સ્પીડી અને કોંક્રિટ વર્ક થાય એ પરથી કન્ટ્રોલની અને પોલીસની ઈમેજમાં પણ વધારો થાય છે. સરવાળે દરેક શહેર-જિલ્લા, તાલુકામાં ચાર બંધ દિવાલમાં કામ કરતી પોલીસ કન્ટ્રોલરૂમની ભૂમિકા ભરોસા સાથે મહત્વપૂર્ણ હોય છે.
પોલીસ મથકોના વિસ્તારો વધ્યા, મોબાઈલ વેન બે કે ત્રણ જ દોડે
કન્ટ્રોલરૂમની સમસ્યા ક્યારેક એવી બની રહે કે જે તે વિસ્તારમાં એક કોલ આપ્યો હોય અને ત્યાં પોલીસ વેન સાથે પોલીસ પહોંચે ત્યાં જ અન્ય બનાવોના કોલ આવી ચડે. રાજકોટ શહેરમાં પોલીસ મથકોના એરિયા વધ્યા છે અને પોલીસ સ્ટેશન દીઠ બે-બે પીસીઆર (પોલીસ વેન) છે. બન્ને જયારે કોલમાં અટવાયેલી હોય ત્યારે પોલીસ મથકે કન્ટ્રોલરૂમ દ્વારા જાણ કરી અન્ય સ્ટાફને મોકલવા વ્યવસ્થા કરાતી હોય છે. રાજકોટ શહેર ક્ષેત્રફળમાં વધ્યું હોવાથી અમુક પોલીસ મથકના વિસ્તારોમાં પોલીસ વાન વધવી જરૂરી બની છે.
રાજકોટ કંટ્રોલને તો ક્યારેક મોરબી, માળિયા, સુરેન્દ્રનગર, ભાવનગરના પણ કોલ આવે
રાજકોટ આમ તો સૌરાષ્ટ્રનું પાટનગર કે હબ કહી શકાય. મુખ્ય કેન્દ્રરૂપ આ શહેરમાં પોલીસ કન્ટ્રોલરૂમમાં પણ ક્યારેક ક્યારેક સૌરાષ્ટ્રભરના કોલ આવતા રહે છે. મોરબી, માળિયા, સુરેન્દ્રનગર, જેતપુર, ગોંડલ, તો ક્યારેક ભાવનગર તરફના કન્ટ્રોલમાં કોલ કરનાર ૧૦૦ નંબર ડાયલ કરનારનો કોલ રાજકોટ કન્ટ્રોલમાં આવે છે જેથી આવા વ્યક્તિને જે તે જિલ્લાના પોલીસ મથકના અથવા ત્યાંના કન્ટ્રોલરૂમના લેન્ડલાઈન નંબર આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં 100 ઉપરાંત અન્ય એક લેન્ડલાઈન 24577777 નંબર પણ છે. જ્યારે નવા જિલ્લાઓમાં 112નંબરની પણ ફેસેલિટી મળી છે
સાહેબ, મારા શેઠ પગાર નથી આપતા તો પોલીસ મોકલો ને
પોલીસ કન્ટ્રોલરૂમની અગત્યતા ઈમરજન્સી સમયે ક્વિક રિસ્પોન્સ મદદ માટે છે તે નહીં સમજતા અથવા તો પોલીસની મદદ માટે ૧૦૦ નંબરની છાપ ખાસ તો સ્લમ એરિયા કે ઓછા અભ્યાસવાળા લોકોમાં વધું છે. એવા કોલ આવે છે કે સાહેબ, મારા શેઠ મને પગાર નથી આપતા તો પોલીસ મોકલો ને, કાં તો ઘરે જવું છે પણ રસ્તામાં ડર લાગે છે, પોલીસ મોકલો ને, આવા કોલ્સ અથવા તો મારા વાહન આડે વાહન રાખ્યું છે નથી હટાવતો જેવા નાસમજ કોલ પોલીસને પરેશાન કરતાં રહે છે.
કોલ કરનાર ના પાડે તો તેના નંબર, ઓળખ નથી અપાતી: એસીપી વી. જી. પટેલ
જો કોઇ કર્મચારી ગુપ્તતા ન જાળવે તો તેના પર ‘એકશન’ની જોગવાઇ
પોલીસ કન્ટ્રોલરૂમમાં કોલ કરનારી ઓળખ ગુપ્ત | રાખવાની હોય છે તેમના નંબર કોલમાં જનાર પોલીસ પીસીઆર વાનને અપાતા હોય છે જેથી જો સ્થળ ન મળે અથવા મદદ માંગનારનો સંપર્ક કરવો હોય તો પોલીસ કરી શકે.
જો કે કન્ટ્રોલરૂમ તથા કોલમાં જનાર પોલીસ સિવાય એ નંબર કે ઓળખ કોઈને અપાતા નથી, ગુપ્ત રાખવામાં આવે છે.
આમ છતાં જો કોલ કરનાર વ્યક્તિ પોતાના નંબર કે ઓળખ કોઈને આપવી નહીં તેવું કહે તો તેમના નંબર
કોલમાં જનાર પોલીસને પણ ન અપાતા હોવાનું કન્ટ્રોલરૂમના એસીપી વી.જી. પટેલે જણાવ્યું હતું. કન્ટ્રોલરૂમ કે પોલીસમાંથી કોઈ માહિતી લીક કરે કે ગુપ્તતા ન જાળવે તો તેમના પર ખાતાકિયથી લઈ અન્ય કાયદાકિય પગલાં પણ લેવાઈ શકે છે.