ભારતની સદભાવના: પાક નાગરિકો માટે દેશ છોડવાની મુદતમાં વધારો
જો કે પાકિસ્તાનની સરહદના દરવાજે હજુ તાળું
ભારતમાં રહેતાં સેંકડો પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત તરીકે એ લોકોને અટારીના ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ થી ભારત છોડવા માટેની મુદત બીજી આદેશ ન થાય ત્યાં સુધી વધારી આપવામાં આવી છે. આ અગાઉ તમામ પાકિસ્તાની નાગરિકોને 30 તારીખ સુધીમાં સરહદ ક્રોસ કરી દેવા જણાવાયુ હતું.આ નિર્ણય એ સમયમર્યાદા સમાપ્ત થયા બાદ સરહદ પર ફસાયેલા અનેક લોકો માટે રાહતરૂપ છે. જોકે ભારતના આ માનવતાવાદી નિર્ણય પછી પણ પાકિસ્તાને હજુ પોતાના નાગરિકોને પ્રવેશ આપવા માટે સરહદના દરવાજા ખોલ્યા ન હોવાનું જાણવા મળે છે.
પહલગામ હુમલા પછી ટૂંકા ગાળાના અને સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં અને મેડિકલ વિઝા ધરાવતા લોકોને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી જવાનો આદેશ કરાયો હતો.
સરકારના આ પગલાથી અનેક પરિવારો વિખેરાઈ ગયા છે અને માતા-પિતાથી તેમનાં બાળકો અલગ થઈ ગયાં છે. ભારતમાં છેલ્લા 30-40 વર્ષથી રહેતા અનેક પાકિસ્તાનીઓ પણ દેશનિકાલ કરાયેલા લોકોમાં સામેલ હોવાથી અનેક કલ્યાણકારી સંગઠનો અને રાજકારણીઓ તરફથી અમુક શ્રેણીના પાકિસ્તાની નાગરિકોને મુક્તિ આપવાની વિનંતી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે બન્ને દેશોએ એક બીજાના નાગરિકોને દેશ છોડવાના આદેશ કર્યા બાદ છેલ્લા છ દિવસમાં પાકિસ્તાનના 55 રાજદૂત તો અને તેમના સહાયક સ્ટાફ સહિત કુલ 786 પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ ક્રોસિંગથી ભારત છોડી ગયા છે. જ્યારે પાકિસ્તાનથી 1,465 ભારતીયો ભારતમાં પરત આવ્યા છે.