બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી દિલ્હી હાઇકોર્ટે આકરી ફટકાર લગાવી
હમદર્દ કંપનીના રૂહ અફઝા પીણા વિરુદ્ધ વધુ કોઈ અપમાનજનક ટિપ્પણી નહી કરવાની દિલ્હી હાઈકોર્ટને લેખિતમાં આપેલી બાહેંધરીનો ભંગ કરી રામદેવે વધુ એક વીડિયો જારી કરતા અદાલતે તેમને આકરી ફટકાર લગાવી હતી.બાબા રામદેવને અદાલતની અવમાનનાની નોટિસ ફટકારવામાં આવશે તેમ જણાવી ન્યાયાધીશ અમિત બંસલે, બાબા રામદેવ પોતાની જ દુનિયામાં રહેતા હોવાની અને કોઈના નિયંત્રણમાં ન હોવાની ટિપ્પણી કરી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રામદેવે પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે , રૂહ અફઝાની આવક મદરેસાઓ અને મસ્જિદોને ભંડોળ પૂરું પાડવા માટે વપરાતી હોવાનો દાવો કર્યો હતો અને તેને શરબત જિહાદ ગણાવી હતી.
તેમની આ ટિપ્પણીઓ સામે હમદર્દ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 27મી એપ્રિલે એ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રામદેવના નિવેદનોને “કોર્ટના અંતરાત્માને આઘાત આપનારા ” અને “અસ્વીકાર્ય ” ગણાવ્યા હતા. અદાલતે રામદેવને હમદર્દ નેશનલ ફાઉન્ડેશન અથવા રૂહ અફઝાને લક્ષ્ય બનાવતી જાહેર ટિપ્પણીઓ, જાહેરાતો અથવા વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.અદાલતે લાલ આંખ કર્યા બાદ રામદેવની કાનૂની ટીમે ઑનલાઇન તમામ સંબંધિત સામગ્રી હટાવવાનું અને આવી ટિપ્પણીઓથી દૂર રહેવાનું વચન આપ્યું હતું.જો કે તેમ છતાં રામદેવે વધુ એક વિડીયો બહાર પાડતા અદાલત ચોંકી ગઈ હતી.હમદર્દનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલો મુકુલ રોહતગી અને સંદીપ સેઠીએ રામદેવનું આ કૃત્ય અદાલતની અવમાનના હોવાની કરેલી રજૂઆત દિલ્હી હાઇકોર્ટે સ્વીકારી હતી અને રામદેવને નોટિસ પાઠવવાના અને અદાલતમાં ઉપસ્થિત રહેવાના નિર્દેશ આપ્યા હતા.