પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી 2 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી, જાણો જનતા પર શું થશે અસર ?
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં, જેથી સામાન્ય પ્રજાને કોઈ અસર નહીં પડે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં નાખે. તમને જણાવી દઈએ કે આ વધારા બાદ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટના કારણે શેરબજારમાં પણ આજ રોજ હાહાકાર મચી ગયો હતો. રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.
શું પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે ?
નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગની નવીનતમ સૂચના અનુસાર, આ ફેરફાર 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. જોકે, સામાન્ય માણસ પર કોઈ બોજ નહીં પડે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને જાણ કરી છે કે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરની સ્થિતિ
તમને જણાવી દઈએ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 1170.95 (2.80% ઘટીને), ઇન્ડિયન ઓઇલ રૂ. 128 (1.65% ઘટીને), હિન્દુસ્તાન પેટ્રોલિયમ રૂ. 348.20 (2.75% ઘટીને) અને ભારત પેટ્રોલિયમ રૂ. 275.65 (1.34% ઘટીને) પર બંધ થયા હતા.
પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તા થશે?
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થઈ શકે છે.
આ સંજોગોમાં જ પેટ્રોલ અને ડીઝલ સસ્તા થઈ શકે છે
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જો ક્રૂડ ઓઇલનો ભાવ (Crude Oil Price) પ્રતિ બેરલ 60 ડોલર થી 68 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહે છે તો સામાન્ય માણસને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.