દિલ્હી હાઇકોર્ટના જજના બંગલામાં આગ લાગ્યા બાદ ‘ મોટો દલ્લો ‘ મળતા ચકચાર
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગ્યા બાદ જંગી માત્રામાં રોકડ રકમ મળી આવતા ભારે ચકચાર જાગી છે. ઘટનાની ગંભીરતા પારખી સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલી દેવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવ્યા બાદ તેમની તાત્કાલિક અસરથી અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલી કરી દેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ન્યાયાધીશ યશવંત વર્મા પોતાના ઘરે નહોતા ત્યારે અચાનક આગ ફાટી નીકળતા પરિવારજનોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એ કાર્યવાહી દરમિયાન બગલાના અલગ અલગ રૂમમાંથી મોટી માત્રામાં બે હિસાબી રોકડ રકમ મળી આવી હતી.
આ ચકચારી ઘટના પ્રકાશમાં આવતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાના વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠક મળી હતી અને બાદમાં જસ્ટિસ વર્માને તેઓ જ્યાંથી આવ્યા હતા એ અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલી દેવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી.
બીજી તરફ હાઇકોર્ટના ન્યાયાધીશને ત્યાંથી જંગી રકમ મળી આવવાની ઘટના કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની છે. આ બનાવને કારણે ન્યાયતંત્રની પ્રમાણિકતા અને વિશ્વસનીયતા સામે સવાલો ઉઠતા હોવાનો મત વ્યક્ત કરી ને કોલેજિયમના જ કેટલાક સભ્યોએ માત્ર બદલી નહીં પણ વધુ સખત પગલા લેવા અનુરોધ કર્યો હોવાની ચર્ચા છે.જસ્ટિસ યશવંત વર્માની ઓક્ટોબર 2014 ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2016 માં તેમને સ્થાઈ જજ બનાવાયા હતા અને ઓક્ટોબર 2021માં તેમની દિલ્હી હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.
હવે ક્યાં પગલાં સંભવિત ?
ન્યાયાધીશો સામે ભ્રષ્ટાચાર, ગેરવર્તણુક કે અનિયમિતતાના કેસમાં સુપ્રીમ કોર્ટની ઈન હાઉસ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. સૌ પ્રથમ ચીફ જસ્ટિસ સંબંધિત ન્યાયાધીશ પાસે ખુલાસો માંગે છે.
તે જવાબ સંતોષકારક ન જણાય અને વધુ તપાસની જરૂર પડે તો સુપ્રીમ કોર્ટના એક અને હાઇકોર્ટના બે જજની ઈન હાઉસ કમિટી તલસ્પર્શી તપાસ કરે છે. અને તેમાં ન્યાયાધીશ દોષિત ઠરે તો તેમનું રાજીનામું માંગી શકાય છે.