હજુ બે દિવસ ટાઢોડું ! રાજકોટમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો
રાજકોટમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી, મહત્તમ 27.5 ડિગ્રી
સામાન્ય રીતે મકરસંક્રાંતિ બાદ ઠંડીમાં થોડી રાહત મળતી હોય છે પરંતુ હવામાન વિભાગની આગામી મુજબ આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનનો પારો હજુ પણ 2થી 3 ડિગ્રી નીચે સરકશે પરિણામે ટાઢોડું યથાવત રહેશે. રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાનમાં આંશિક વધારા સાથે પારો 11 ડિગ્રી ઉપર સ્થિર થયો હતો તો દિવસ દરમિયાન ફૂંકાયેલા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતા મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું. સોમવારે 8.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનને કારણે સમગ્ર રાજ્યમાં ટાઢોડું યથાવત રહ્યું છે ત્યારે આગામી બે દિવસ એટલે કે 16 જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. બીજીતરફ સોમવારે 8.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જયારે ડીસામાં 9.9, રાજકોટમાં 11, ભુજમાં 11.4, ગાંધીનગરમાં 11.7, અમદાવાદમાં 12.4, અમરેલીમાં 13, વડોદરામા 13.2, જામનગરમાં 14.1 અને પોરબંદરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નોંધનીય છે કે, રાજકોટમાં ગઈકાલે મહત્તમ 29 ડિગ્રી તાપમાન સામે સોમવારે બે ડિગ્રી જેટલા ઘટાડા સાથે સોમવારે 27.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.