રાજકોટમાં દરરોજ 47 લોકોને કૂતરાં ભરે છે બચકાં : ખસીકરણ પાછળ કરોડોનું આંધણ છતા વસતીવધારો યથાવત
રાજકોટનો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં સવાર-બપોર-સાંજ કૂતરાઓનો મુકામ રહેતો ન હોય. ખાસ કરીને રાત્રે 12 વાગ્યા બાદ જો કોઈ વિસ્તારમાંથી પસાર થવામાં આવે અને કૂતરાઓનું બેઠેલું ઝુંડ પાછળ ન પડે તો જ નવાઈ પામવા જેવું રહે છે. મહાપાલિકા દ્વારા શ્વાસ ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવા છતાં વસતીવધારો યથાવત રહેતા આઠ મહિનાની અંદર દરરોજ 47 લોકોને બચકાં ભર્યા હોવાના આંકડા તંત્ર પાસેથી જ પ્રાપ્ત થવા પામ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 1 જાન્યુઆરીથી 31 ઓગસ્ટ સુધીમાં શહેરમાં કુલ 11292 લોકોને કૂતરા કરડી ગયા છે. મહિનાવાઈઝ વાત કરવામાં આવે તો જાન્યુઆરીમાં 1644, ફેબ્રુઆરીમાં 1363, માર્ચમાં 1377, એપ્રિલમાં 1386, મેમાં 1384, જૂનમાં 1302, જૂલાઈમાં 1475 અને ઓગસ્ટમાં 1358 લોકોને શ્વાને હડફેટે લેતા તેમને ઈન્જેક્શન આપવા પડ્યા હતા.
બીજી બાજુ નિયમ પ્રમાણે મહાપાલિકા કોઈ શ્વાનને પકડીને શહેર બહાર છોડી શકતી ન હોવાને કારણે તંત્રના હાથ પણ બંધાયેલા છે. તાજેતરમાં જ કૂતરાને કંટ્રોલ કરવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું આમ છતાં કૂતરાની રંજાડ ઓછી થવાનું નામ લઈ રહી નથી.
