તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
વી.એમ. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદની વિદ્યાર્થિની હવે થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે: રાજકોટનું ગૌરવ વધાર્યુ
ગાર્ડી વિદ્યાપીઠના વી. એમ. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં બી. એ. એમ. એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થિની તાનિયા માણેકે રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે યોજાયેલી ૨૮મી ઓલ ઈન્ડિયા વા-ડો-કાઈ કરાટે ચેમ્પિયનશીપમાં તાનિયા માણેકે સમગ્ર ભારતમાંથી ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ હરિયાળું ભવિષ્ય આપણી સૌની જવાબદારી
રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તાનિયા માણેકને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં થાઈલેન્ડ ખાતે યોજાનારી
આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર રાજ્ય અને સંસ્થા માટે ગૌરવની બાબત છે.
તાનિયાની આ સિદ્ધિ બદલ ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિગ ડાયરેક્ટર જયભાઈ મેહતા તેમજ વી. એમ. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રવિકાંત ગોયલે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે તથા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તાનિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે.
