રાજકોટ શહેર ભાજપના સંગઠનની તૈયારી શરૂઃ 15 દિવસમાં નામ ‘ફાઈનલ’ થશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉ.માધવ દવેની પસંદગી કરાયા બાદ બાકીના હોદ્દા ઉપર હજુ સુધી નવા નામની જાહેરાત કરવામાં આવી નથી. આ પ્રક્રિયા ઘણા લાંબા સમયથી અટકી ગઈ છે ત્યારે હવે ફરી તેને હાથ પર લેવામાં આવશે. પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરે રાજકોટમાં તમામ શહેર-જિલ્લાના પ્રમુખ સાથે બેઠક કરી નવા સંગઠનને આખરી ઓપ આપવા સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે 15 દિવસની અંદર શહેર ભાજપનું સંગઠન પણ `ફાઈનલ’ થઈ જવાની શક્યતા છે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેએ જણાવ્યું કે સંગઠન મંત્રી સાથે દર દોઢ મહિને આ પ્રકારે બેઠક મળતી હોય છે અને તેમાં દોઢ મહિના દરમિયાન શહેર-જિલ્લા ભાજપ દ્વારા શું શું કામગીરી કરવામાં આવી, પક્ષ દ્વારા સોંપાયેલી કામગીરી સહિતની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતની બેઠકમાં તિરંગા યાત્રામાં કેવો પ્રતિસાદ મળ્યો તે ઉપરાંત આગામી 31 મેએ અહલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી આવી રહી હોય આખા દેશમાં ભાજપ દ્વારા તેની ઉજવણી કરવામાં આવનાર છે તે અંતર્ગત રાજકોટ સહિતના શહેરો તેમજ જિલ્લામાં 21થી 31 મે સુધી અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે તેમાં કોઈ જ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવા નિર્દેશ અપાયો હતો.
આ સિવાય રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી સહિતની પસંદગી કરવા માટે તૈયારીમાં લાગી જવાનું પણ કહેવામાં આવ્યું હતું. પ્રમુખ દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના નામ નક્કી કરી ટૂંક સમયમાં પ્રભારી સાથે બેઠક કરીને નામને આખરી ઓપ આપવામાં આવશે તેવું પણ શહેર ભાજપ પ્રમુખ દ્વારા જણાવાયું હતું.
