એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ
રિયા આહિર નામની યુવતી બની ગઈ લોખંડી નારી શક્તિ – છાત્ર શક્તિનો મુખ્ય ચહેરો
મુંબઈગરાઓએ કહ્યું,” આ છે મુંબઈનો અસલ જુસ્સો, જે ક્દી દમન સામે ઝૂક્યો નથી..”
જંતર મંતર પર અમાનુષી પોલીસ દમન પછી આમ તો દેશના અનેક શહેરોમાં સ્વયંભૂ આંદોલન શરૂ થઈ ગયું છે પણ તે બધામાં મુંબઈ હવે દિલ્હી પછીના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.છેલ્લા ત્રણ દિવસથી મુંબઈના અલગ વિસ્તારોમાં યુવાનો અને છાત્રોએ કરેલા વિરોધ પ્રદર્શનના સમાચારોને ન્યૂઝ ચેનલો અને મેઈન સ્ટ્રીમ મીડિયામાં સ્થાન નથી મળતું પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં વાયરલ થયેલા વીડિયો દર્શાવે છે કે આ આંદોલન હવે માત્ર કોકરોચ જનતા પાર્ટીનું નથી રહ્યું, યુવાનોએ સ્વયંભૂ તેમાં ઝંપલાવી દીધું છે.
મુંબઈમાંથી અનેરા દૃશ્યો સામે આવી રહ્યા છે.ચેમ્બુરના ડૉ. આંબેડકર ગાર્ડન નજીક અને પરા વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પોલીસે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓની અટકાયત કરી. એ અટકાયતીઓને લઈ જતી પોલીસ વાન ટ્રાફીકમાં ફસાઈ એ જ ઘડીએ બહારથી કોઈકે
તેનો પાછળનો લોક ખોલી નાખ્યો અને અંદર રહેલા તમામ વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા. આ દૃશ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.ખુશીના માર્યા કેટલાક લોકોએતો રસ્તા ઉપર ડાન્સ કરીને લોકોના જુસ્સાને વધાવ્યો
પણ સાચો રંગ તો લાવી રિયા આહિર નામની એક વીરાંગના . આખું મુંબઈ તેની હિંમત ઉપર આફરિન થઈ ગયું છે. આ યુવતીએ અટકાયતી વિદ્યાર્થીઓને લઈ જતી પોલીસ વાનને એકલે હાથે અટકાવી. વરસતા વરસાદ વચ્ચે રિયા પોલીસ વાનની આગળ ઊભી રહી ગઈ.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓને ડ્રગ કેસમાં ફિટ કરી દેવાની ધમકી: હોબાળો થતાં પોલીસમેન સસ્પેન્ડ
ડ્રાઈવરે વાનને આગળ વધારવાનો અને એક્સિલરેટર દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રિયા એક ઇંચ પણ પાછળ ન હટી. તેણે બંને હાથ ફેલાવીને પોલીસ વાનનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક કરી દીધો.આ દૃશ્ય જોઈને સેંકડો લોકો એ સ્થળે થંભી ગયા. રિયાએ ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા. એક એકલી છોકરીની આ હિંમત નિહાળીને એક પછી એક લોકો વાનની સામે આવવા લાગ્યા. વાન સામે યુવાનોએ માનવ દિવાલ રચી દીધી.ઇન્કલાબ ઝિંદાબાદના નારાઓ વધુ જોરથી લાગવા શરૂ થયા.અંતે પોલીસ મજબૂર બની અને બધા વિદ્યાર્થીઓને છોડી મૂકવા પડ્યા.
આ ઘટનાના વીડિયો લાખો લોકએ નિહાળ્યા. એકલે હાથે સત્તાને ઝુકાવનાર રિયા આજે મુંબઈના આંદોલન અને છાત્ર શક્તિ તેમ જ નારી શક્તિનો મુખ્ય ચહેરો બની ગઈ છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મુંબઈના સામાન્ય નાગરિકોએ પ્રતિભાવ આપ્યો, ” આ છે મુંબઈનો અસલ વાસ્તવિક જુસ્સો, “True Spirit of Mumbai ‘ જે સત્તા અને પોલીસ દમન સામે ઝૂકવા તૈયાર નથી.
મુંબઈમાં ક્યાં ક્યાં થયા વિરોધ પ્રદર્શન ?
દાદર અને શિવાજી પાર્ક (ચૈત્યભૂમિ)
આ વિસ્તાર મુંબઈમાં આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. મુશળધાર વરસાદ હોવા છતાં, Cockroach Janta Party (CJP) અને ‘મુંબઈ અગેન્સ્ટ સપ્રેશન ઓફ સ્ટુડન્ટ્સ’ (MASS) ના બેનર હેઠળ હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીં એકઠા થયા હતા. પોલીસે સમગ્ર ચૈત્યભૂમિ અને દાદર ચોપાટી તરફ જવાના રસ્તાઓ પર કડક બેરિકેડિંગ કરી દીધું હતું.
ચેમ્બુર:
પરા વિસ્તારની શાળા કોલેજોના હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા
જુહુ અને આઝાદ મેદાન:
જુહુ વિસ્તાર અને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે પણ વિદ્યાર્થી સંગઠનો (AISF, SFI અને AISA) દ્વારા જંગી કૂચ અને સૂત્રોચ્ચાર
આંદોલનને ઉગતું જ ડામવાસરકારે ઉગામ્યો કાયદાનો કોરડો
મુંબઈ પોલીસે શિવાજી પાર્ક, વર્લી, માહિમ, સાયન અને ભોઈવાડા સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ૮ જેટલી FIR નોંધીને ૯૦૦થી વધુ પ્રદર્શનકારીઓ સામે ગુના દાખલ કર્યા છે. પ્રદર્શનના પ્રથમ બે દિવસોમાં જ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં કેટલાક સગીરો અને સ્કૂલના બાળકો પણ સામેલ હતા. આંદોલનની તીવ્રતાને જોતા, મુંબઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે ૨૩ જુલાઈથી ૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સમગ્ર મુંબઈ શહેરમાં ૫ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર, સરઘસો કાઢવા પર અને લાઉડસ્પીકરના ઉપયોગ પર સત્તાવાર પ્રતિબંધ લાદી દીધો છે. જોકે, શાળા-કોલેજોની નિયમિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને આમાંથી મુક્તિ અપાઈ છે.
