રાજકોટ : મિલકત વિવાદમાં સગા ભાભીની સરાજાહેર હત્યા કરવાનો મામલો, કોર્ટે દિયરને આજીવન કેદની સજા ફટકારી
શહેરના કોઠારીયા મેઇન રોડ પર દેવપરા વિસ્તારમાં વડીલોપાર્જિત મિલક્ત વિવાદમાં સગા ભાભી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દિયરને અદાલતે તસ્કીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની હકિકત મુજબ, વર્ષ ૨૦૧૯માં કોઠારીયા મેઇન રોડ નજીક આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા ભારતીબેન ઉમેશભાઈ સરધારા નામની પરણીતા સ્વાધ્યાયમાંથી ઘરે પરત આવતા હોય તે વેળાએ તેમના દિયર ચમન કડવા સરધારે રસ્તામાં તેણીને આંતરીને છરીના ત્રણ ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં મૃતકના પતિ ઉમેશ કડવાભાઈ સરધારાએ પોતાના નાનાભાઈ ચમન કડવા સરધારા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે મરનારનુ મૃત્યુ સાપરાધ મનુષ્યવધ છે તેવુ સાબિત કર્યા બાદ તે મૃત્યુ આરોપીએ જ નિપજાવેલ છે કે કેમ તે બાબતે જણાવેલ કે, ફરિયાદી ઉમેશભાઈ સઆરોપીના સગા ભાઈ થાય છે. તેમજ મરણજનારના ફરિયાદી પતિ થતા હતા. જે બાદ પણ ફરીયાદને સપુર્ણપણે સમર્થન આપેલ છે. નજરે જોનાર લક્ષ્મીબેન ભુપતભાઈ ગજેરા ની જુબાનીથી સપુર્ણપણે સમર્થન મળેલ અને આરોપીને અદાલતમા નામજોગ ઓળખી બતાવેલ છે. એફ.એસ.એલ. અધિકારી ની જુબાની, ઘટના સમયે આરોપીએ પહેરેલા કપડા અને ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર પર મૃતકનું લોહી મળી આવેલ હોય તે સહિતની દલીલોના આધારે જજ એસ વી શર્માએ આરોપી ચમન સરધારાને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકિલ સ્મિતાબેન અત્રિ તેમજ મૂળ ફરિયાદી વતી એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીગ્નેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, કૃણાલ દવે, ચેતન પુરોહિત વિગેરે રોકાયેલ હતા.