યુરોપ-અમેરિકાની જેમ ભારતમાં સ્ટાર પાર્ટીનો નવો ટ્રેન્ડ : આ તારીખથી શરૂ થશે ગીરમાં આકાશી સફર, જાણો શું હશે ખાસ
યુરોપ અને અમેરિકાની જેમ સૌરાષ્ટ્રમાં પણ ‘સ્ટાર પાર્ટી”નો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, રાજકોટમાં સાયન્સ,ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોમાં આગળ વધી રહ્યું છે. સ્ટાર પાર્ટીનું નામ સાંભળતાની સાથે યંગ જનરેશનના કાન ચમકી જાય,આ પાર્ટી એટલે ખાસ ખગોળ સાથે સંકળાયેલી છે. જે આગામી ૨૫ એપ્રિલથી ત્રણ દિવસ માટે ગીરના જંગલમાં શરૂ થશે. બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા લેહ લદાખની જેમ ગુજરાતમાં પણ એસ્ટ્રો ટુરીઝમ ને વિકસાવાં માટે સાત વર્ષથી આ પ્રકારની સ્ટાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે .
સૌરાષ્ટ્રમાં રાજકોટની એસ્ટ્રોનોમી ક્લબ આ સ્ટાર પાર્ટી ખગોળ પ્રેમીઓ માટે યોજે છે. સાસણગીર ખાતે આવેલા આત્મન ફોરેસ્ટ રિસોર્ટ ખાતે સ્ટાર પાર્ટી યોજાય છે. હવે એમ પ્રશ્ન થાય કે શું છે આ સ્ટાર પાર્ટી ? જે અંગે માહિતી આપતાં લોકવિજ્ઞાન કેન્દ્રના નિલેશ રાણાએ આપતાં જણાવ્યું કે,સ્ટાર પાર્ટી એટલે આકાશ દર્શન, અવકાશી પદાર્થોના લિસ્ટ પ્રમાણે નિહારિકાઓ, આકાશગંગાઓ, તારા ગુચ્છકો વગેરે બતાવવામાં આવે છે. જેમ દિવસ દરમિયાન પ્રદૂષણ થાય છે તેમ રાત્રિના પ્રકાશ પ્રદુષણ વિશેની માહિતી અપાય છે.
કોન્ક્રીટના જંગલોમાં રહી આપણે કુદરતનો નજારો માણવાનો લહાવો ગુમાવી રહ્યા છે ત્યારે આ સ્ટાર પાર્ટીમાં જંગલમાં અંધકાર વચ્ચે, શિયાળની લારીઓ વચ્ચે આભમાં રહેલો સફેદ દૂધગંગાનો પટ્ટો જોવો એ અલભ્ય લહાવો છે. આ સમયે ત્રણ વખત નેકેડ આઈ કોન્સટેલેશન ટુર માણી શકાય છે એટલે કે નરી આંખે દેખાતા આકાશી પદાર્થો- નક્ષત્રો તારા મંડળ જાણી અને માણી શકાય છે.
એપ્રિલની સ્ટાર પાર્ટીની ‘મિલ્કી વે સ્પેશિયલ’ થીમ
આખા વર્ષમાં એપ્રિલ, મે અને ડિસેમ્બર વરસમાં ત્રણ વખત આ ગીર સ્ટાર પાર્ટી યોજાય છે. દર વર્ષે દેશભરમાંથી જાણીતા ખગોળશાસ્ત્રીઓ આ પાર્ટીમાં જોડાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ યોજાયેલી આ પાર્ટીમાં દેશભરમાંથી ૧૫ જેટલા ખગોળ રસિકો ભેગા થયા હતા જેમણે ગીરની અતુલનીય રાતે આકાશ નીચે બે રાત આકાશ દર્શનનો આનંદ માણ્યો હતો. આ પાર્ટી માટે રાજકોટ એસ્ટ્રોનોમી કલબના ૭ વિશાળ ટેલિસ્કોપ સાઈટ પર લઈ જવાય છે.આકાશદર્શન સાથે એસ્ટ્રોનોમી મોડેલ મેકિંગ વર્કશોપ, ખગોળ વિજ્ઞાન અને એસ્ટ્રોફોટોગ્રાફી વગેરેની પ્રવૃત્તિ થાય છે.