પશ્ચિમ બંગાળ ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષના ઘરે ઢોલ ઢબુકયા
પશ્ચિમ બંગાળ ભાજપના 61 વર્ષના ભૂતપૂર્વ પ્રમુખ અને ફાયર બ્રાન્ડ નેતા દિલીપ ઘોષ શુક્રવારે ભાજપના જ 51 વર્ષના મહિલા નેતા રીન્કુ મજમુદાર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. રીન્કુ મજમુદાર ડાઇવોર્સી છે અને તેમને સંતાનમાં એક પુત્ર છે.
દિલીપ ઘોષના આ પ્રથમ લગ્ન છે. કોલકાતા ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજમુદાર સહિત અનેક નેતાઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
રીન્કુ મજમુદારને દિલીપ ઘોષ જ ભાજપમાં લાવ્યા હતા. તેમણે ભાજપની મહિલા પાંખ, ઓબીસી પાંખ, હેન્ડલુમ સેલ સહિત અનેક સ્તરે નેતૃત્વ કર્યું હતું.
દિલીપ ઘોષ અને રીન્કુ મજમુદાર વચ્ચે 2021માં કોલકત્તાના ઈકો પાર્ક ગાર્ડનમાં મોર્નિંગ વોક સમયે પ્રણયના અંકુરો ફૂટ્યા હતા. રીન્કુ મજમુદારના કહેવા મુજબ લગ્ન માટે તેમણે જ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ દિલીપ ઘોષે જે તે સમયે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. અંતે તેમના માતૃશ્રી પુષ્પલતા ઘોષે ભારપૂર્વક આગ્રહ કર્યા બાદ દિલીપ ઘોષ લગ્ન માટે તૈયાર થયા હતા.