રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
ગુજરાતમાં વાહનોની બેફામ રફતારનો કહેર યથાવત રહ્યો છે. વડોદરા હિટ એન્ડ રનની ઘટના બાદ રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો જ્યાં નશાની હાલતમાં એક કારચાલકે હિટ એન્ડ રન ની દુર્ઘટના સર્જી હતી. આ ઘટનામાં સ્કોડા કારના ચાલકે ત્રણ લોકોને અડફટે લીધા હતા જેમાં સ્કૂટર ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળાં ઉમટ્યા હતા અને લોકોએ બે યુવકને ઘટનાસ્થળેથી જ પકડી પાડયા હતા. ત્યારે આ મામલે પોલીસે કારચાલક સામે તપાસ શરૂ કરી છે
નબીરાએ ત્રણ લોકોને અડફેટે લીધા
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના મવડી ફાયરબ્રિગેડ નજીકની છે જ્યાં નબીરાએ અકસ્માત સર્જીને 3 લોકોને અડફેટે લીધા હતા. મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરાવવા જતાં ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલ ઉનડકટ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટે લીધા હતાં. તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જેમાં સારવાર દરમિયાન વડીલ પ્રફુલ ઉનડકરનો મોત નિપજ્યું છે અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તબીબોના જણાવ્યા અનુસાર, 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું છે.
કારની સ્પીડ 100 થી 120 હતી : અકસ્માત નજરે જોનારા લોકો
અકસ્માત જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળીયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકની પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ, આરોપીનું નામ ઋત્વિચ પટોળીયા છે. અકસ્માત દરમિયાન તેની ગાડી 100 થી 120ની સ્પીડે દોડી રહી હતી. સ્થાનિકોનો જણાવ્યા અનુસાર, કારચાલક પોતે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. જોકે, સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ શરૂ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતી પણ બેઠી હતી. પરંતુ, અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી. નોંધનીય છે કે, હજુ સુધી કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.