મુંબઇ-થાણે એક્સપ્રેસ વે પર થયું ટેસ્લા કારનું ટેસ્ટીંગ
ભારતમાં જેની બહુ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી કે તે ટેસ્લા કારનું ટેસ્ટીંગ મુંબઈ-થાણા એક્સપ્રેસ વે ઉપર કરવામાં આવ્યું છે. ટેસ્લા કારનું આ Y મોડલ હતું અને આ ટેસ્ટીંગ સફળ થતાં હવે એવુ કહી શકાય છે કે ઇલોન મસ્ક હવે ભારતના માર્ગો પર ટેસ્લાની કાર ઉતારવા માટે સજ્જ છે.
ટેસ્લા મોડલ Yનાં ફેસલિફ્ટ વર્ઝનને કોડનેમ જુનિપર આપવામાં આવ્યું છે. ટેસ્લાની આ કાર અમેરિકા અને કેનેડાના માર્કેટમાં સામેલ છે. આ કારને ભારત અનુસાર ઘણા અપડેટ્સ સાથે લાવવામાં આવી છે.
ટેસ્લાની કારમાં C આકારની ટેલલાઇટ્સ છે. આ કારમાં લાંબી વળાંકવાળી છત અને બહુવિધ ટ્વીન સ્પોક એલોય વ્હીલ્સ પણ છે. આ કારમાં ટેસ્લાની સિગ્નેચર કાચની રૂફ પણ આપવામાં આવી છે. ટેસ્લાની આ કાર ભારતમાં છ કલર ઓપ્શન સાથે આવી શકે છે. તેમાં પર્લ વ્હાઇટ, સ્ટીલ્થ ગ્રે, ડીપ બ્લુ મેટાલિક, અલ્ટ્રા રેડ, ક્વિક સિલ્વર અને ડાયમંડ બ્લેક કલરનો સમાવેશ થાય છે.
ટેસ્લાની આ ઇલેક્ટ્રિક કાર લાંબી રેન્જની બેટરી સાથે આવવાની છે, જેથી આ કારને લાંબા અંતર સુધી સરળતાથી ચલાવી શકાય. ટેસ્લાની આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જિંગમાં 526 કિલોમીટરની રેન્જ આપી શકે છે. આ ઇલેક્ટ્રિક SUV 4.6 સેકન્ડમાં 0 થી 96 kmphની ઝડપ પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડ 200 kmph છે.
આ ટેસ્લા કાર 15.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. આ કારમાં પાછળના મુસાફરો માટે 8 ઇંચની સ્ક્રીન પણ છે. આ ટેસ્લા ઇવીમાં વેન્ટિલેટેડ સીટ, ADAS ફીચર અને વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. ટેસ્લાએ હજુ જાહેર કર્યું નથી કે આ બ્રાન્ડની પ્રથમ કાર ભારતમાં ક્યારે લોન્ચ થશે, પરંતુ ટેસ્લા દ્વારા ભારતમાં લોન્ચ થનારી પ્રથમ કાર મોડલ Y હોઈ શકે છે.