મકાનમાં કશું મળશે કે નહીં તે વિચાર્યા વગર જ ખાબક્યા’ને હાથ લાગ્યો દલ્લો !
યુનિ.રોડ પર બંધ મકાનમાંથી ૯.૦૬ લાખની ચોરી કરનાર ત્રિપૂટી ઝડપાઈ
છ મહિનાથી રાજકોટમાં ઘડિયાળ રિપેરનું કામ કરતા રિઢા તસ્કરે મકાનને બંધ ભાળતાં જ બે સાથીદારોને ચોરી માટે કર્યા તૈયાર
ચોરી કર્યા બાદ એક અમદાવાદ અને બે રાજસ્થાન ભાગી ગયા: આડેધડ ભાગબટાઈ કર્યા બાદ વેચે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યા
યુનિવર્સિટી રોડ ઉપર પંચાયતનગર શેરી નં.૨માં આદિનાથ' નામના બંધ મકાનમાં ત્રાટકીને ૯.૦૬ લાખની ચોરીને અંજામ આપનાર ત્રિપૂટીને ક્રાઈમ બ્રાન્ચ, યુનિ.પોલીસ અને ઝોન-૨ એલસીબીએ સાથે મળીને પકડી પાડી હતી. આ ત્રિપૂટીને મકાનમાં આટલી મોટી મત્તા હાથ લાગશે તેનો ખ્યાલ જ ન્હોતો. ત્રણેય આંખ બંધ કરીને મકાનમાં ખાબક્યા હતા અને મોટો દલ્લો મળ્યો હતો ! જો કે ચોરીના માલમાંથી કશું વાપરે તે પહેલાં જ પોલીસે બેની રાજસ્થાન અને એકની અમદાવાદથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરીના આ ગુનાનો ભેદ ઉકેલવા માટે યુનિ.પોલીસ મથકના પીઆઈ સી.એચ.જાદવ, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ વી.ડી.ડોડિયા, ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી. આ ટીમોએ એક આરોપીને અમદાવાદના વસ્ત્રાપુર તો બેને રાજસ્થાનના સિરોહીથી ઉઠાવ્યા હતા. ત્રિપૂટીને પકડ્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ચોરીનું પ્લાનિંગ રાજકોટમાં રહીને ઘડિયાળ રિપેરિંગનું કામ કરતાં અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણ (ઉ.વ.૨૮)ને આવ્યો હતો. તેણે ત્રણેક દિવસ સુધી
આદિનાથ’ મકાનની રેકી કર્યા બાદ ત્યાં હાથ સાફ કરવાનું નક્કી કર્યું હતું. આ પછી તેણે અન્ય આરોપી કમલેશ ફુલારામ માલી (ઉ.વ.૨૩) અને અગરારામ વરજોંગારામ ચૌધરીને ચોરી માટે તૈયાર કર્યા હતા. કમલેશ રાજકોટમાં જ રહેતો હતો જ્યારે અગરારામ કામ માટે રાજકોટ આવ્યો હતો.
ચોરી કરવાનું નક્કી થયા બાદ ત્રણેય મકાનમાં ત્રાટક્યા હતા. જો કે મકાન બહાર સીસીટીવી હોવાથી પહેલાં બારીની ગ્રીલ તોડીને એક શખ્સ અંદર ઘૂસ્યો હતો અને તેણે અંદર જઈને મકાનનો દરવાજો ખોલીને બેને અંદર બોલાવ્યા હતા. ઘરમાં ખાખાખોળા કર્યા બાદ ત્રણેયના ધ્યાને એક લોકર આવતાં આખું લોકર જ ઉઠાવીને નીકળી ગયા હતા. રાજકોટથી નીકળ્યા બાદ ત્રણેયે ચોરાઉ સામાનની ભાગબટાઈ કરી હતી જેમાં સોનાના દાગીના, ટેબલેટ, ઘડિયાળ, પર્સ, વિદેશી ચલણ સહિતનું સામેલ હતું તે ત્રણેયને સરખા ભાગે વહેંચી દીધી હતી. જો કે આ બધું વેચીને પૈસા ઉભા કરે તે પહેલાં જ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને ૯.૦૬ લાખમાંથી ૭,૫૫,૪૫૦નો મુદ્દામાલ રિકવર કરી લીધો હતો જ્યારે બાકીનો સામાન કબજે કરવા માટે તજવીજ શરૂ કરી છે.
લોકર પાસવર્ડ પ્રોટેક્ટેડ હોવાથી ગ્રાઈન્ડરથી કાપી નાખ્યું
પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે ત્રણેયે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યા બાદ હાથમાં એક પાસવર્ડ પ્રોટેક્ટેડ લોકર હાથમાં લાગ્યું હતું. જો કે તે પાસવર્ડ વગર ખૂલે તેમ ન હોવાથી તેને ગ્રાઈન્ડરથી કાપીને અંદર રહેલો સામાન બહાર કાઢી ભાગ પાડ્યા હતા.