પોતાની પુત્રીને પરણાવી દીધી તો બીજી મહિલાઓને સન્યાસી થવાનું શું કામ કહે છે ? સદગુરુને મદ્રાસ હાઈકોર્ટે કર્યો સવાલ
મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પર તીખી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે તમારી પુત્રી પરિણીત છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવાની પ્રેરણા આપો છો.
મદ્રાસ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવે તેમની પુત્રીના લગ્ન કરાવી દીધા છે, તો પછી તેઓ શા માટે અન્ય યુવતીઓને મુંડન કરાવવા અને સંસારી જીવન છોડીને સંન્યાસી જેવું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે ? વાસ્તવમાં, એક નિવૃત્ત પ્રોફેસરે આરોપ લગાવ્યો છે કે તેમની બે ભણેલી દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેમને ઈશા યોગ સેન્ટરમાં રહેવા મજબૂર કરવામાં આવ્યા છે.
પ્રોફેસર પિતાએ અરજી કરી
કોઈમ્બતુરની તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણાવતા એસ કામરાજે તેમની પુત્રીઓને રૂબરૂ હાજર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સોમવારે પ્રોફેસરની 42 અને 39 વર્ષની દીકરીઓ કોર્ટમાં હાજર થઈ અને કહ્યું કે તેઓ ઈશા ફાઉન્ડેશનમાં પોતાની મરજીથી રહે છે. તેમને બળજબરીથી રાખવામાં આવતા નથી. અરજી પર સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને વી શિવગનમની બેન્ચે ઈશા ફાઉન્ડેશનના સ્થાપકને પૂછ્યું કે, ‘અમે જાણવા માગીએ છીએ કે જે વ્યક્તિએ તેની દીકરીના લગ્ન કરાવીને તેને જીવનમાં સારી રીતે સ્થાપિત કરી છે, તે બીજાને કેમ પ્રોત્સાહિત કરી રહ્યો છે લોકોની દીકરીઓ માથે મુંડન કરાવે અને એકાંત જેવું જીવન જીવે ?’
મહિલાઓએ અગાઉ એક દાયકા જૂના કેસમાં આવી જ જુબાની આપી હતી. ત્યારે બંને મહિલાઓના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમની દીકરીઓએ તેમને તરછોડી દીધા હતા, ત્યારપછી તેમનું જીવન ‘નરક’ બની ગયું હતું. ન્યાયાધીશોએ કેસની વધુ તપાસનો આદેશ આપ્યો અને પોલીસને ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ કેસોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો. ઈશા ફાઉન્ડેશને દાવો કર્યો હતો કે મહિલાઓએ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કર્યું હતું.
ઈશા ફાઉન્ડેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે ‘અમે માનીએ છીએ કે પુખ્ત વયના લોકો પાસે પોતાનો રસ્તો પસંદ કરવાની સ્વતંત્રતા અને વિવેક હોય છે. અમે લગ્ન ન કરવા અથવા સાધુ ન બનવાનો આગ્રહ રાખતા નથી, કારણ કે આ વ્યક્તિગત નિર્ણયો છે. ઈશા યોગ કેન્દ્રમાં એવા હજારો લોકો રહે છે જેઓ સન્યાસી નથી, તેમજ કેટલાક કે જેમણે બ્રહ્મચારી અથવા સંન્યાસી બનવાનું નક્કી કર્યું છે.