મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યું : છેલ્લા 24 કલાકમાં 9 ડેમમાં નવા નીરની આવક
- પાંચ ડેમના દરવાજા ખુલ્લા, કર્ણુકી ડેમમાં 11 ફૂટ નવા નીરની આવક
રાજકોટ : મેઘરાજાના બીજા રાઉન્ડમાં પણ સૌરાષ્ટ્ર ઉપર હેત વરસ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં 9 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, સોરાષ્ટ્રના પાંચ ડેમમાં નવા નીરની ધીંગી આવકને કારણે દરવાજા ખોલવામા આવ્યા છે તો કર્ણુકી ડેમમાં 11 ફૂટ નવું પાણી આવ્યું છે.
સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સચરાચર મેઘકૃપાને કારણે સૌરાષ્ટ્રના અલગ-અલગ નવ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે જેમાં ભાદર ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 0.20 ફૂટ, વેણુ-2 ડેમમાં 0.66 ફૂટ, સુરવો ડેમમાં 0.66 ફૂટ, કર્ણુકી ડેમમાં 10.96 ફૂટ, મોરબીના મચ્છુ-2 ડેમમાં 0.33 ફૂટ, ડેમી-1માં 0.10 ફૂટ અને બ્રાહ્મણી ડેમમાં 0.49 ફૂટ નવા પાણીની આવક થવા પામી હતી.
વધુમાં અવિરત મેઘકૃપાને કારણે પાણીની સતત આવક ચાલુ રહેતા રુલ લેવલ જાળવવા માટે જામનગરના ઉમિયા સાગર ડેમનો એક દરવાજો, મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો, ભાદર-2 અને આજી-2નો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાનો વાસંલ ડેમ ઓવર ફ્લો થયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.
