રાજકોટ જિલ્લાના આઠ ડેમોમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લામાં બુધવારે પડેલા વરસાદને કારણે જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે જેમાં સૌથી વધુ વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ નવા નીરની આવક થઇ હતી.
રાજકોટ સિંચાઈ વર્તુળ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૫૯ ફૂટ, ડોંડી ડેમમાં ૨.૧૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, નવા નીર આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૧૦.૭૬ ટકા, ફોફળ ડેમ ૪૩.૧૩ ટકા, વેણુ-૨ ડેમ ૫૨.૪૭ ટકા, આજી-૩ ડેમ ૨૪.૮૩ ટકા, ડોંડી ડેમ ૪૦.૩૦ ટકા, ન્યારી-૨ ડેમ ૫૨.૬૪ ટકા ભરાયો છે. હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૨૨૮ મીટર ખુલ્લો છે.
ઉપલેટામાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન છે ત્યારે ઉપલેટા શહેરમાં ગઈકાલે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ (55 mm) વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ભાદર ચોક વિસ્તાર શાકમાર્કેટ વિસ્તાર સિંધી બજાર, કટલેરી બજાર,હિરાબા પ્લોટ વિસ્તાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી 2 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.