કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચ (8th Pay Commission) ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પેન્શન સંબંધી એક એવા નિયમમાં ફેરફાર કરવાની માગ ઉઠી છે, જે જો સ્વીકારવામાં આવે તો દેશના લાખો નિવૃત્ત કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થઈ શકે છે અને તેમને લાખો રૂપિયાનો સીધો ફાયદો મળી શકે છે.
કમ્યુટેડ પેન્શન અને 39 વર્ષ જૂના નિયમનો વિવાદ
હાલના નિયમો અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાના બેસિક પેન્શનના ૪૦ ટકા સુધીની રકમ એકસાથે (કમ્યુટેડ પેન્શન તરીકે) ઉપાડી શકે છે. આ એડવાન્સ રકમની ભરપાઈ કરવા માટે સરકાર દર મહિને પેન્શનમાંથી ચોક્કસ કપાત કરે છે અને આ પ્રક્રિયા પૂરી થવામાં પૂરા ૧૫ વર્ષ લાગે છે. પેન્શનર સંગઠનોનો તર્ક છે કે આ ૩૯ વર્ષ જૂનો નિયમ હવે આજના આર્થિક માપદંડો મુજબ યોગ્ય નથી, કારણ કે સરકારની વસૂલાત ૧૦ થી ૧૧ વર્ષમાં જ પૂરી થઈ જાય છે.
સમયમર્યાદા ૧૧ વર્ષ થવાથી થનારું ગણિત અને નાણાકીય ફાયદો
જો 8મા પગાર પંચમાં આ 15 વર્ષની સમયમર્યાદા ઘટાડીને 11 વર્ષ કરી દેવામાં આવે, તો પેન્શનરોને 4 વર્ષ વહેલું જ પૂરું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનું બેસિક પેન્શન રૂ. ૩૫,૦૦૦ હોય, તો તેને 4 વર્ષ વહેલા દર મહિને રૂ. ૧૪,૦૦૦ વધારાનું પેન્શન મળવા લાગશે. આ ગણતરી મુજબ સંબંધિત પેન્શનરને માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જ આશરે રૂ. ૬.૭૫ લાખ જેટલો જંગી આર્થિક ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો: હિમનદીઓ ફાટવાની ઘટનાઓ ચીન-પાકમાં વધુ છતાં મૃત્યુ ઓછા: યુએનના ચોંકાવનારા રિપોર્ટનો ખુલાસો
નિયમ 10A હેઠળ સમીક્ષા કરવાની માંગ
પેન્શનર સંઘો દ્વારા સરકાર સમક્ષ એવી ભારપૂર્વક રજૂઆત કરાઈ છે કે નિયમ 10A હેઠળ આ બાબતની પુનઃસમીક્ષા કરવામાં આવે અને 8મા પગાર પંચના અહેવાલમાં આ ફેરફારનો સમાવેશ કરવામાં આવે. જો આ માગ સ્વીકારવામાં આવશે તો વૃદ્ધાવસ્થામાં દેશના લાખો કેન્દ્રીય પેન્શનરોને મોટી નાણાકીય રાહત મળી રહેશે.
પેન્શનરોના હિતમાં ઉઠાવવામાં આવેલી આ માગ જો સરકાર દ્વારા માન્ય રાખવામાં આવે તો તે નિવૃત્ત કર્મચારીઓના જીવનધોરણને ઊંચું લાવવામાં અને આર્થિક બોજ હળવો કરવામાં અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થશે.
