અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાંથી 7387 લોકોનું સ્થળાંતર
૯૬૧૦ લોકોનો જીવ બચાવ્યો
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ૧૫થી ૨૦ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે વહીવટીતંત્રએ આગોતરૂ આયોજન કરી દક્ષિણ ગુજરાતમાં ૭૩૮૭ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જ્યારે ૧૧ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નદી-નાળા અને નિચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતા વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાનમાલને નુકસાન ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
વહીવટીતંત્રની માહિતી અને સૂચનાના આધારે નવસારીમાંથી ૩૧૭૯, તાપી ૧૨૯૭, સુરતમાંથી ૧૪૩૨, વડોદરામાંથી ૩૨૯, આણંદમાંથી ૯૧૪, નર્મદામાંથી ૧૭૮ અને ખેડા જિલ્લામાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા ૫૮ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે અમદાવાદ, સુરત, નવસારીમાં આર્મીની 6 કંપની ઉતારાઇ
આ ઉપરાંત નર્મદા જિલ્લામાં પાણીના પૂરમાં ફસાયેલા ૧૦ વ્યક્તિ અને છોટા ઉદેપુરમાં પાણીના પ્રવાહમાં ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવામાં આવ્યો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક માસથી ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે ત્યારે એક માસમાં રાજ્યમાંથી કુલ ૫૩,૬૪૭ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પાણીના પૂરમાં ફસાયેલા ૯૬૧૦ લોકોનો NDRF-SDRF અને વહીવટીતંત્ર જીવ બચાવી રેસ્ક્યુ કર્યા હતા.
છેલ્લા એક માસમાં નિચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરાયેલા લોકોમાં સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડમાંથી ૨૧૦૨૮ લોકોનું સ્થળાંતર અને ૩૧૨૫ લોકોનું રેસ્ક્યુ, નવસારીમાં ૧૬૪૭૦ લોકોનું સ્થળાંતર અને ૮૪૫ લોકોનું રેસ્ક્યુ, સુરતમાં ૮૫૮૬ લોકોનું સ્થળાંતર અને ૩૪૩૯ લોકોનું રેસ્ક્યુ અને અમદાવાદ જિલ્લામાં ૨૮૫૯ લોકોનું સ્થળાંતર અને ૨૦૦૬ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
