બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું : મોદી
- વડાપ્રધાને દેશવાસીઓને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી : સરદાર પટેલની પ્રતિમાનું ચરણ પૂજન કરી વડાપ્રધાને એકતા પરેડમાં હાજરી આપી
- દેશમાં બે વર્ષ સુધી સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાશે
કેવડિયા : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 31 ઓક્ટોબરે દેશભરમાં અનોખો સંયોગ સર્જાયો છે. એકતા દિવસની સાથોસાથ દિવાળી પણ ઉજવાઈ રહી છે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રતિમાનું ચરણ પૂજન કરી એકતા પરેડમાં પણ વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે એકતા પરેડમાં સંબોધન કરતા સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમણે કરેલા કાર્યોને યાદ કરી દેશમાં બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સંબોધન કર્યુ. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યુ કે સરદાર પટેલે અસંભવ કામને પણ સંભવ કરેલુ છે. અનેક રજવાડાઓને સરદાર પટેલે એક કરીને બતાવ્યા છે. સરદાર સાહેબ ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ પણ એકતાને દર્શાવે છે. આ સાથે જ તેમણે સંબોધનમાં જણાવ્યુ કે રેલ, હાઈવે, ઈન્ટરનેટથી ગામડાઓને શહેરથી જોડવાનું કામ કર્યું છે. પીએમ આવાસ યોજનાના મકાન ભેદભાવ વગર મળી રહ્યાં છે. કોઈ પણ જાતના ભેદ ભાવ વગર તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસે અદભૂત સંયોગ છે. એક તરફ એકતા દિવસ, બીજીતરફ દિવાળીનો પાવન પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે.દીવડાના માધ્યમથી દિવાળી સમગ્ર દેશને જોડે છે. દિવાળી સમગ્ર દેશને પ્રકાશમય કરે છે. હવે તો દિવાળી ભારતને વિશ્વના દેશો સાથેપણ જોડી રહી છે. અનેક દેશોમાં દિવાળીનો પર્વ ઉજવાઇ રહ્યો છે.
એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મો દીએ કહ્યું હતું કે, આ વખતનો એકતા દિવસ વિશેષ છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતી વર્ષની
શરૂઆત થઇ છે. 2 વર્ષ સુધી દેશમાં સરદારની 150મી જયંતી નો ઉત્સવ ઉજવાશે. દેશવાસીઓની આ સરદાર પ્રત્યેની કાર્યાંજલિ છે. એક
ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને તે મજબૂત કરશે. આપણને આઝાદી મળી ત્યારે કેટલાક લોકો ભારતની વિખેરાવાની રાહ જોતા હતા. તેમને આશા નહોતી કે અસંખ્ય રજવાડાને એક કરી શકાશે. સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરીને બતાવ્યુ. સરદાર સાહેબ વ્યવહારમાં યથાર્થવાદી હતા . તેઓના ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા .
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણા છે. રાયગઢનો કિલ્લો સાક્ષાત ગાથા કહે છે.એકતા નગરમાં રાયગઢના કિલ્લાની છબી પ્રેરણાનું અતિત દર્શાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માત્ર નામમાં યુનિટી નથી, તેને બનાવવામાં પણ યુનિટીનો ઉપયોગ થયો છે. “ખેડૂતોના ખેતરોમાં વપરાતા ઓજારોનું લોખંડ તેમજ દેશના દરેક ખૂણાની માટી અહીં લવાઇ છે તેનું નિર્માણ જ એકતાની અનુભૂતિ કરાવે છે. યાત્રીઓ
માટે અહીં એકતા મોલ પણ છે. એકતા નો સંદેશ એકતા દોડથી મજબૂત થતો હોવાનું તેમને ઉમેર્યું હતું.
વડાપ્રધાનમંત્રી મોદીએ આ તકે, દેશમાં બંધારણની માળા ઝપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું હોવાનું જણાવી કાશ્મીરમાંથી હટાવવામાં આવેલ બંધારણની કલમ 370 તેમજ એક દેશ એક ટેક્સ રૂપે જીએસટીનો ઉલ્લેખ કરી દેશમાં એક બંધારણ અમલમાં લાવ્યા હોવાનું જણાવી દેશમાંથી નક્સલવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.