કેકેવીથી મહિલા અંડરબ્રિજ તરફ જતા ફક્ત એક યુ ટર્ન `કોટેચા ચોક’
કાલાવડ રોડ પર ટ્રાફિકની રામાયણ
ટર્ન લેવા માટે વાહનચાલકોને 1 કિલોમીટરનો ધક્કો, પેટ્રોલનો ધુમાડો અને ટ્રાફિક જામ: અગાઉની વ્યવસ્થા પુન:સ્થાપિત કરવા ઉઠી માંગ
વોઇસ ઓફ ડે । રાજકોટ
શહેરના રાજમાર્ગ સમાન કાલાવડ રોડ પર ટ્રાફિકનું નિયમન લોકોની સુવિધા વધારવાને બદલે માથાનો દુખાવો બની ગયું છે. ઊંઊંટ સર્કલથી મહિલા અંડરબ્રિજ તરફ જતા માર્ગ પર જમણી બાજુ વળવા માટે કોઈ ટર્ન ન હોવાથી રોજેરોજ પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અયોગ્ય વ્યવસ્થાને કારણે લોકોના સમય અને ઈંધણનો પુષ્કળ વ્યય થઈ રહ્યો હોવાથી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
અગાઉ ઊંઊંટ સર્કલથી મહિલા અંડરબ્રિજ તરફના રસ્તે ચાર ટર્નની વ્યવસ્થા હતી, જેના કારણે વાહનચાલકો સરળતાથી રસ્તો ક્રોસ કરી શકતા અને પરત ફરી શકતા હતા. પરંતુ હાલની વ્યવસ્થામાં આ સુવિધા બંધ કરી દેવાતા વાહનચાલકોને યુ-ટર્ન લેવા માટે છેક એક કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને આગળ જવું પડે છે. જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે.
આ ઉપરાંત, નિર્મલા કોન્વેન્ટ રોડથી અમીન માર્ગ તરફ જવું હોય તો સામે જ રસ્તો હોવા છતાં, ચાર ટર્ન બંધ હોવાના કારણે વાહનચાલકોએ ફરજિયાત મહિલા કોલેજ ચોકના ભારે ટ્રાફિકમાં ફસાવું પડે છે. કોટેચા ચોકની સ્થિતિ પણ આવી જ છે, જ્યાં માત્ર એક જ ક્રોસિગ છે અને તે પણ બંધ કરી દેવાયું છે. ક્યારેક મેઈન રોડ પર ટ્રાફિક હોય ત્યારે માત્ર ટુ-વ્હીલર માટે જ રસ્તો ખોલવામાં આવે છે અને ફોર-વ્હીલરને ટર્ન મળતો નથી, જે વાહનચાલકો માટે ભારે અગવડરૂપ છે.
આ પણ વાંચો : ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
એક તરફ વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થાના આ ભૂલભરેલા નિર્ણયથી લોકોના પેટ્રોલનો અવિરત બગાડ થઈ રહ્યો છે અને મહિલા કોલેજ ચોક પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે છખઈના એન્જિનિયરિગ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરી, ટેકનિકલ ચકાસણી બાદ સલામત યુ-ટર્ન અથવા અગાઉની વ્યવસ્થા પુનસ્થાપિત કરવા માટે રાયઝિંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર.એમ.સી કમિશનરને ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવામાં આવ્યું છે.
ટ્રાફિક વ્યવસ્થાની મુખ્ય ખામીઓ જેનાથી જનતા પરેશાન
ઊંઊંટ સર્કલ પાસે સીધા પરત ફરવાની કે રસ્તો ક્રોસ કરવાની સુવિધા ન હોવાથી વાહનચાલકોએ ફરજિયાત ૧ કિ.મી. આગળ જવું પડે છે. નિર્મલા રોડની સામે જ અમીન માર્ગ હોવા છતાં ટર્ન બંધ હોવાથી વાહનોએ મહિલા કોલેજ ચોક સુધી આંટો મારવો પડે છે. કોટેચા ચોકનું એકમાત્ર ક્રોસિગ બંધ રહે છે અને ખુલે તો પણ માત્ર ટુ-વ્હીલરને જ જવા દેવાય છે ફોર-વ્હીલર અટવાઈ જાય છે. યોગ્ય ટર્ન ન હોવાથી લાંબો ફેરો મારવો પડે છે, જેનાથી ઈંધણનો વ્યય થાય છે અને મહિલા કોલેજ ચોકે ટ્રાફિક જામ સર્જાય છે.
