ગર્ભ રાખવો કે નહી તેનો અંતિમ નિર્ણય મહિલા જ લઈ શકે, પતિ નહી
મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો; 13 અઠવાડિયાની ગર્ભવતી પરિણીતાને અદાલતે ગર્ભપાતની મંજૂરી આપી, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો
મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગર્ભ રાખવો કે ગર્ભપાત કરાવવો તે અંગેનો અંતિમ નિર્ણય મહિલાનો જ રહેશે. પતિ આ બારામાં અંતિમ ફેસલો કરી શકે નહી.
હાઈકોર્ટે જણાવ્યું કે કાયદાકીય સમયમર્યાદાની અંદર ગર્ભાવસ્થા રાખવી કે નહીં આ તમામ નિર્ણય મહિલા પર જ નિર્ભર રહેશે. આવા મામલામાં પતિની સંમતિ ફરજિયાત ગણાવી શકાય નહીં. કોર્ટે 13 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભસમાપનની મંજૂરી આપતા મહિલાની સ્વાયત્તતા અને બંધારણીય અધિકારોને મહત્વ આપ્યું છે.
ઇન્દોર ખંડપીઠ સમક્ષ આવેલ કેસમાં મહિલાએ જણાવ્યું હતું કે પતિ સાથેના સંબંધોમાં ગંભીર તણાવ અને અલગાવને કારણે બાળકનો જન્મ તેના માટે માનસિક અને સામાજિક રીતે મુશ્કેલ બની શકે છે.આ કારણોસર મહિલાએ ગર્ભસમાપનની મંજૂરી માંગતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી.
આ પણ વાંચો: અમરેલીના પાંચ તાલુકામાં મેઘતાંવડના કારણે પૂરમાં ફસાયેલા ૭૭ લોકોનું રેસ્ક્યુ
સુનાવણી દરમિયાન કોર્ટે પતિને નોટિસ પાઠવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ પણ તેઓ કોઈપણ તારીખે કોર્ટમાં હાજર રહ્યા નહોતા. રાજ્ય સરકાર તરફથી પણ અરજીનો વિરોધ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે કોર્ટને મામલાની સુનાવણી આગળ વધારવામાં સરળતા રહી હતી.
કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર છે.આ અધિકાર બંધારણના અનુચ્છેદ-21 હેઠળ મળતા વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવના અધિકારનો એક મહત્વનો ભાગ છે.
ગર્ભાવસ્થાનો સૌથી વધુ માનસિક, શારીરિક પ્રભાવ મહિલા જ સહન કરે છે
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સૌથી વધુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક પ્રભાવ મહિલાને જ સહન કરવો પડે છે.તેથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે સમાપ્ત કરવી તે અંગેનો નિર્ણય મહિલાનો વ્યક્તિગત અને બંધારણીય અધિકાર છે. કોઈ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતૃત્વ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં.
વૈવાહિક વિવાદને અદાલતે ગણાવ્યો મહત્વનો આધાર
કોર્ટે નોંધ્યું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો ગંભીર રીતે બગડી ગયા હોય, બંને અલગ રહેતા હોય અથવા છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ હોય તો તે મહિલાના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.આવી પરિસ્થિતિમાં મહિલા ગર્ભ આગળ વધારવા ઇચ્છતી ન હોય તો ગર્ભસમાપનની મંજૂરી માટે તે યોગ્ય અને ન્યાયસંગત કારણ બની શકે છે.
