બસની રાહ જોતા પરિવારને ટ્રેલરે કચડ્યો, 3 બાળકોના મોત, માતા-પિતા ગંભીર
રાજસ્થાનના જયપુરમાં મંગળવારે સવારે એક હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો. અજમેર રોડ પર 200 ફૂટ બાયપાસ નજીક એક બેકાબૂ ટ્રેલરે બસની રાહ જોઈને રસ્તાની બાજુમાં ઊભેલા એક પરિવારને અડફેટે લીધો. આ દુર્ઘટનામાં ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ અજમેર હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો.
સવારે 9 વાગ્યે બન્યો ભયાનક અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે 8:45 થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. જયપુરથી અજમેર તરફ જતું એક ટ્રેલર દિલ્હી-અજમેર હાઇવે પર એક હોટલ સામે કથિત રીતે કાબુ બહાર નીકળી ગયું. તે સમયે પતિ, પત્ની અને તેમના ત્રણ બાળકો 200 ફૂટ બાયપાસ ચોક પર જાહેર પરિવહનની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરે સીધા રસ્તાની બાજુમાં ઊભેલા પરિવારને ટક્કર મારી હતી.
આ પણ વાંચો: બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
3 બાળકોના મોત, માતાના બંને પગ ભાંગ્યા
ટ્રાફિક પોલીસ અધિકારી પુનીરામ મીણાએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા. માતા અને પિતા સહિત 4 લોકો ઘાયલ થયા. માતાના બંને પગ તૂટી ગયા છે અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયપુર પોલીસ કમિશનરેટના સોડાલાના ACP સુરેન્દ્ર સિંહે કહ્યું કે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સવાઈ માન સિંહ SMS હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે.
અજમેર રોડ પર ભારે ટ્રાફિક જામ
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. આ અકસ્માતને કારણે અજમેર રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસના ACP અમીન હસને પુષ્ટિ કરી કે પરિવાર બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ.
હાલ પોલીસે ટ્રેલર ચાલક સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
