અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી
પાલીતાણાના ગરજીયા ગામે સવારે બની હેરતભરી ઘટના: શિકારની શોધમાં નીકળેલી સિંહણે યુવકને પંજા નીચે દબાવી રાખ્યો: ગામ લોકોએ દેકારો કરતાં યુવકનો જીવ બચ્યો
સૌરાષ્ટ્રનો ગીર પંથક સાવજોની ડણકથી ઓળખાય છે. આદિકાળથી વનરાજ અને માનવ વચ્ચેની મિત્રતાના અનેક દાખલા મોજૂદ છે પરંતુ છેલ્લા દોઢેક માસથી જંગલના રાજા માનવીનું લાહી ચાખી ગયા બાદ તેનો દુશ્મન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી જ એક ઘટનાએ ચકચાર જગાવી છે. પાલીતાણાના ગરજીયા ગામે માલધારીના ઝોકમાં આવી ચડેલ સિંહણે એક માલધારી યુવક પર હુમલો કરી યુવક પર સિંહણ બેસી જતાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. અડધો કલાક સુધી મોતના મુખમાં રહેલા યુવકને અંતે છોડી સિંહણ જંગલ તરફ નાસી છૂટતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ પાલીતાણાના ગરજીયા ગામે સવારે માલધારીના ઝોકમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડી હતી. સૌપ્રથમ સિંહણ હેમુભાઈના વંડામાં પ્રવેશી હતી પરંતુ વાડામાં બાંધેલ ભેંસો સામી થતાં સિંહણ ત્યાંથી નીકળી ગઈ હતી.
આ પણ વાંચો: મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
ત્યારબાદ સિંહણ બાજુમાં જ રહેતા કાળુભાઈ બોઘાભાઈ પરમાર નામના માલધારી યુવક પર ઓચિંતા હુમલો કરી યુવકને પોતાના પંજા નીચે દબાવી દીધો હતો. આ ઘટના સમયે ગામમાં દેકારો બોલી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ગ્રામજનોએ સિંહણના પંજામાંથી યુવકને છોડાવવા ઘણા ધમપછાડા કર્યા હતા પરંતુ સિંહણ યુવકને છોડવાનું નામ લેતી નહોતી. આ તમાશો અડધો કલાક સુધી ચાલ્યો હતો. સિંહણના પંજા નીચે દબાયેલ યુવક મોત ભાળી ગયો હોવા છતાં હિંમત કેળવી સિંહણને પંપાળવાનું શરૂ કરી દીધું હતું.ગામલોકોએ ભારે દેકારો કરતાં અંતે યુવકને જીવતો છોડી સિંહણ ઘટનાસ્થળેથી જતી રહેતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સિંહણના પંજામાંથી મુક્ત થયેલા કાળુભાઈને હાથમાં અને પગમાં ઈજા પહોંચી હોય સારવાર અર્થે પાલીતાણા માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
રાત્રે મારણ કર્યું હોય તેની શોધમાં સિંહણ ગામમાં ઘૂસી
પાલીતાણાના ધરજીયા ગામે રવિવારની રાત્રે સિંહણે પશુનું મારણ કર્યું હતું જેને ખાવા માટે સવારે ફરી સિંહણ મારણ તરફ જવા નીકળી હતી પરંતુ તે ભૂલથી પરજીયા ગામના માલધારીવાસમાં આવી ચડી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. હાલ યુવાન પર હુમલો કરનાર સિંહણને પકડવા વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીને હેરાન-પરેશાન ન કરવું તેવી તાકિદ કરી છે.
એક મહિનામાં જંગલના રાજાએ ત્રણ-ત્રણ માનવીનો જીવ લીધો
બૃહદ ગીર છોડીને રેવન્યુ વિસ્તારમાં આવી ચડેલા જંગલના રાજા છેલ્લા એક માસથી હિંસક બની ગયા છે જેમાં ગત મહિને ૧૬ જૂને રાજુલાના કોવાયા ગામે શ્રમિક પર હુમલો કરી સિંહ પરિવારે યુવકને ફાડી ખાધો હતો. ત્યારબાદ બીજા દિવસે ૧૭ જૂને મહુવાના પિગળેશ્વર પાસે યુવક પર હુમલો કરી સિંહ પરિવારે ફાડી ખાધો હતો અને તા.૨૫ જૂનના ધારીના ચીતરી ગામે દાદા સાથે જતા પાંચ વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહણે ફાડી ખાધો હતો.
