અમરેલીના પાંચ તાલુકામાં મેઘતાંવડના કારણે પૂરમાં ફસાયેલા ૭૭ લોકોનું રેસ્ક્યુ
અમરેલી જિલ્લામાં રવિવારે પાંચ તાલુકામાં બારેમેઘ ખાંગા થતાં ભારે તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે પાણી ફરી વળતા ફાયરબ્રિગેડે ૬૮ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે સતત બીજા દિવસે પણ નેશનલ હાઈ-વે સહિતના ૧૭ રાજમાર્ગો પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે જિલ્લા કલેક્ટરે પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. જ્યારે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાઈ જતાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે.
અમરેલી જિલ્લાના રાજુલામાં ૧૨ કલાકમાં ૧૦.૫ ઇંચ, ધારીમાં ૯ ઇંચ, ખાંભામાં ૭ ઇંચ, સાવરકુંડલામાં પાંચ ઇંચ અને જાફરાબાદમાં પાંચ ઇંચ વરસાદથી નદી-નાળાઓ છલકાઈ ગયા હતા.
તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારો અને ગામડાંઓ બેટમાં ફેરવાઈ ગયા હતા જેમાં ધારીના મીઠાપુર ડુંગરી ગામ બેટમાં ફેરવાઈ જતાં મોડીરાત્રે ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરી બાળકી સહિત ૬૮ લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.
જ્યારે સાવરકુંડલાના કોઝ-વેમાં ફસાયેલા યુવકનું પાંચ કલાક સુધી દિલધડક ઓપરેશન ચાલ્યું હતું. આ ઉપરાંત ચલાલામાં ૧૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતુ. અમરેલીના વાવરી ગામે શેત્રુંજી નદી ગાંડીતૂર બનતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા જેમાં ૮ આદિવાસી મજૂર પરિવાર ફસાઈ જતાં તેમનું રેસ્ક્યુ કરાયું હતું.
વરસાદે ભારે ખાનાખરાબી સર્જી દીધી છે અને સોમવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કલેક્ટરે સલામતીને ધ્યાને લઈને રાજુલા, ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
