જો ઈચ્છા હોત તો ઇરાનના બધા જ નેતાઓને પતાવી દીધા હોત; ટ્રમ્પ
ખામેનેઈના જનાજા અને અંતિમ સંસ્કાર વખતે ભેગા થયેલા નેતાઓ અને ભીડ અંગે ભારે વિવાદિત નિવેદન; આર્મેનિયાએ કહ્યું, વ્યક્તિને મારી શકો છો, તેના મૂલ્યોને નહીં
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ફરી એકવાર અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો અમેરિકા ઈચ્છત તો તે એક જ ઝાટકે ઈરાનના તમામ ટોચના નેતાઓને હંમેશા માટે ખતમ કરી શકતું હતું, જેઓ પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના જનાજા (અંતિમ સંસ્કાર) માં સામેલ થવા માટે એકઠા થયા હતા. જો કે, અમેરિકાએ આવું પગલું એટલા માટે ન ઉઠાવ્યું કારણ કે તેની પ્રાથમિકતા ઈરાન સાથે પરમાણુ વાટાઘાટોને આગળ વધારવાની છે. શનિવારે ‘એક્સિઓસ’ને આપેલા ફોન ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ ખુલાસો કર્યો હતો.
આ અંગે આર્મેનિયાના યેરેવાન સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન કર્યું છે. દૂતાવાસે જણાવ્યું છે કે, ‘વ્યક્તિને મારી શકાય છે, પરંતુ આદર્શોને નહીં. તમે આયતુલ્લાહ ખામેનેઈની હત્યા કરી, પરંતુ વાસ્તવમાં તમે અત્તરની એક એવી બોટલ તોડી છે જેની સુગંધ હવે બધે જ ફેલાઈ ગઈ છે.’
આ પોસ્ટમાં એમ પણ કહેવાયું છે કે, ‘4 જુલાઈના રોજ પોતાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઊજવનારું અમેરિકા, ખામેનેઈના અવસાન પર ઉમટેલી જનમેદનીના આ આકરા શોક અને લાગણીના પૂરને ક્યારેય સમજી શકશે નહીં, કારણ કે અમેરિકા પાસે ન તો કોઈ સભ્યતા છે, ન ઈતિહાસ કે ન કોઈ સન્માન.’
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજથી 3 દેશોની યાત્રા પર રવાના
મને એમ હતું કે ઇરાનના લોકો ખામેનેઈને ધિક્કારે છે; જો કે આ બધા ખોટા આંસુ છે
દરમિયાનમાં ટ્રમ્પે જનાજા વખતે અને યાત્રા દરમિયાન તેમજ વિધિમાં અનેક લોકોના વિલાપ અંગે પણ કોમેન્ટ કરી છે. એમણે કહ્યું છે કે મને તો એમ જ હતું કે ઇરાનના લોકો ખામેનેઈને ધિક્કારે છે. જો કે આ બધા બનાવટી આંસુ જ છે. હજારો મહિલાઓ અને પુરુષો ચોધાર આંસુ સાથે રડી રહ્યા છે. હજારો લોકોએ તેને પુષ્પાંજલિ અને અશ્રુભીની વિદાય આપી છે. આમ ટ્રમ્પને ઇરાનના લોકોના આંસુઓની ભાષા સમજાઈ ગઈ હોય તેવું લાગે છે.
