રાજીનામું ભલે આપ્યું પણ ચંપત રાયને ટ્રસ્ટમાંથી દૂર નહીં કરી શકાય: બધાં ટ્રસ્ટી આજીવન સભ્યો
રામ જન્મભૂમિ સેવા તીર્થ ટ્રસ્ટના નિયમો મુજબ ટ્રસ્ટીને માત્ર હોદા પરથી જ મુક્ત કરી શકાય,ટ્રસ્ટીપદેથી નહી
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કાંડમાં વિવાદ વધ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ સેવા તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાએ રાજીનામા તો આપી દીધા છે, પણ જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એ બન્નેની ટ્રસ્ટી તરીકે તો ચાલુ જ રહશે કારણકે ટ્રસ્ટના બંધારણમાં બધા ટ્રસ્ટીઓની આજીવન સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંજોગોમાં ટ્રસ્ટની આગામી 6 જુલાઈના રોજ મળનારી બેઠક ઉપર સૌની મીટ મંડાઈ છે.
એનડીટીવી એ પેટા નિયમોનો હવાલો આપીને પ્રસિધ્ધ કરેલો આ અહેવાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ કોઈ પણ હોદ્દેદારનું રાજીનામું સ્વીકારવા માટે ટ્રસ્ટીઓના બે તૃતિયાંશ બહુમતની જરૂર પડે છે. તેથી 6 જુલાઈએ યોજાનારી બેઠકમાં 14 પૈકી હાલ કાર્યરત 12 ટ્રસ્ટીઓ ચંપત રાય અને ડો. અનિલ મિશ્રાના રાજીનામા અંગે મતદાન કરશે. જો રાજીનામા સ્વીકારવામાં આવશે તો પણ બંને માત્ર પોતાના હોદ્દા પરથી જ મુક્ત થશે, ટ્રસ્ટના આજીવન સભ્ય તરીકે તેમની સ્થિતિ યથાવત્ રહેશે. ટ્રસ્ટના અન્ય તમામ હોદ્દેદારો માટે પણ આ જ જોગવાઈ લાગુ પડતી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બેંગલુરુમાં ખાણમાં ભેખડ ધસી પડતાં 9 મજૂરનાં મોત ;અનેક ઘાયલ
ફૈઝાબાદમાં વકીલો લડાયક મૂડમાં
આ દરમિયાન રામ મંદિર દાનચોરી પ્રકરણમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફૈઝાબાદ બાર એસોસિએશને ખુલ્લેઆમ ટ્રસ્ટના પૂર્વ હોદ્દેદારો સામે મોરચો ખોલતાં ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને મંદિર નિર્માણના ઇન્ચાર્જ ગોપાલ રાવ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. વકીલોનું પ્રતિનિધિમંડળ આ મુદે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરશે. જો પોલીસે ત્રણેયના નામ એફઆઈઆરમાં સામેલ નહીં કરે તો કોર્ટમાં અરજી કરીને કેસ નોંધાવવાની માંગ કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. દાનચોરી કેસમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પણ ટ્રસ્ટીઓ સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી
દોષનો ટોપલો ડ્રાઈવર ટીન્નૂ યાદવ પર ઢોળતા ચંપત રાય
દાનચોરી કેસમાં પોતાને નિર્દોષ ગણાવતાં ચંપત રાયે નજીકના સાથીદારો સમક્ષ સમગ્ર કૌભાંડ માટે પોતાના પૂર્વ ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટીન્નૂ યાદવને જવાબદાર ગણાવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. ચંપત રાયના જણાવ્યા મુજબ ટીન્નૂ યાદવે તેમના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી સમગ્ર ગોટાળાને અંજામ આપ્યો હતો. જ્યારે તેની પોલ ખુલવાની શક્યતા ઉભી થઈ ત્યારે તેણે એક સમાજવાદી પાર્ટીના નેતાને માહિતી પહોંચાડી સમગ્ર મામલો બહાર લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ચંપત રાયે દાવો કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે પોલીસ તપાસમાં આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. ટીન્નૂ યાદવ હાલ આ કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાંનો એક છે અને તપાસ એજન્સીઓ સમગ્ર કાવતરાના નાણાકીય તથા અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
ચંપત રાય સામે ક્યાં કોઈ આક્ષેપ છે?:વિહિપનો સવાલ
ચંપત રાય વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ હોવાથી પ્રતિષ્ઠા ને પણ છાંટા ઉડ્યા છે. આ સંજોગોમાં વિહીત માટે તેમનું રાજીનામું લેવાશે કે કેમ તેવા સવાલના જવાબમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે કહ્યું કે ચંપત રાય સામે કોઈ આક્ષેપો નથી. તેમના ડ્રાઈવર સામે આરોપો છે.એફઆઇઆર માં પણ તેમનું નામ નથી. તેમણે કહ્યું કોઈ પણ જાતના પુરાવા નથી અને તપાસનું નિષ્કર્ષ હજુ સુધી જાહેર નથી થયું.તેમણે જો કે ચંપત રાય બેદરકાર રહ્યા હોઈ શકે એવો મત વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે આલોક કુમારે આ અગાઉ પણ મંદિર નિર્માણ કે મંદિરના વહીવટમાં વિહિપની કોઈ ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા કરી અને આ સમગ્ર કાંડની સર્વાંગી તપાસ માટે માંગણી કરી હતી.
