મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને યુ.એસ.માં માઈક્રોન અને ગુગલની લીધી મૂલાકાત
પર્પ્લેક્સિટીના સી.ઈ.ઓ. અરવિંદ નિવાસ સાથે વન ટુ વન બેઠક
ગુગલ યુવા કૌશલ્ય – શિક્ષકો અને વિધાર્થીઓ માટે AI ટ્રેનિંગ-કૃષિમાં પાક પેટર્ન – સોઈલ એન્ડ ક્લાયમેટ-ડેટા સિક્યુરિટી માટેના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કાર્યરત થવા ઉત્સુક
TiE હેલ્થકેર સેક્ટરમાં હેલ્થ વર્કર્સ ટ્રેનિંગ – વિવિધ AI ટુલ્સથી યુવા કૌશલ્ય વિકાસ માટે ગુજરાતને સહયોગ કરશે
ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ માટે ડેવલપર અને પર્પ્લેક્સિટી AI વચ્ચે હાઈબ્રીડ સેટઅપ માટે ફળદાયી પરામર્શ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના આયોજન અને રાજ્યમાં હાઇ-ટેક રોકાણોને વધુ વેગ આપવાના ઉદ્દેશ્યથી યુ.એસ. (અમેરિકા)ના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત ડેલિગેશને પ્રવાસના ત્રીજા દિવસે જગવિખ્યાત ટેકનોલોજી કંપનીઓની મુલાકાત લીધી હતી. સિલિકોન વેલી ખાતે માઈક્રોન, ગૂગલ અને પર્પ્લેક્સિટી AIના ટોચના અગ્રણીઓ તેમજ ‘ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ’ (TiE)ના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકોમાં સેમિકંડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રિસર્ચ ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
માઈક્રોનના ચેરમેન દ્વારા સાણંદ ફેસિલિટી માટે માત્ર એક જ દિવસમાં મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુ.એસ. પ્રવાસ દરમિયાન માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રા સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. સંજય મહેરોત્રાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માઈક્રોનને સાણંદ પ્રોજેક્ટ માટે ૨૦ એકર જમીનની માત્ર એક જ દિવસમાં આપેલી ત્વરિત મંજૂરી બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે માઈક્રોન યુનિટનું સફળ વ્યાપારી ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી-૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે શરૂ કરાયેલી માઈક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝનથી ગુજરાત આજે દેશના સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
ગૂગલ સાથે યુવા કૌશલ્ય, AI તાલીમ અને કૃષિ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા
ગુજરાત પ્રતિનિધિમંડળે વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલની મુલાકાત લઈને ત્યાંની કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ યુત ચંદુ થોટાએ ગુજરાત સાથે યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ AI તાલીમ તેમજ કૃષિ ક્ષેત્રે પાક પેટર્ન, ક્લાઈમેટ અને સોઈલ (જમીન) મેનેજમેન્ટ માટે AIના ઉપયોગ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની ગાઢ ઉત્સુકતા દર્શાવી હતી. આ ઉપરાંત, ડેટા સિક્યુરિટીને વધુ મજબૂત કરવા માટે ગૂગલ વર્કપ્લેસ સાર્વભૌમ (Sovereign) AIના ઉપયોગ અંગે પણ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
પર્પ્લેક્સિટી AI સાથે એન્જિનિયરિંગ અને રિસર્ચ માટે R&D હબ સ્થાપવાની સંભાવનાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાધુનિક સર્ચ અને AI પ્લેટફોર્મ પર્પ્લેક્સિટી AIના સી.ઈ.ઓ. અરવિંદ નિવાસ સાથે એક મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે પર્પ્લેક્સિટીની ઉપસ્થિતિ (પ્રેઝન્સ) સ્થાપવાની સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અરવિંદ નિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ કરવા અથવા ડેવલપર તથા કંપની વચ્ચે હાઇબ્રિડ સેટઅપ વિકસાવવાની દિશામાં ઊંડો રસ દાખવ્યો હતો, જે રાજ્યના ટેકનોલોજી સેક્ટર માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
સિલિકોન વેલીના TiEના સભ્યો સાથે આરોગ્ય અને યુવા સ્કિલીંગ પર પરામર્શ
સિલિકોન વેલીમાં ૧૯૯૨માં સ્થપાયેલા અને સિંધુ ક્ષેત્રમાં મૂળ ધરાવતા સફળ ઉદ્યોગ સાહસિકો તથા વરિષ્ઠ પ્રોફેશનલ્સના સંગઠન ‘ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ’ (TiE)ના સભ્યો સાથે પણ મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. TiEના સભ્યોએ ગુજરાતમાં આરોગ્ય સંભાળ (હેલ્થકેર), આરોગ્ય ક્ષેત્રના કાર્યકરોની અદ્યતન તાલીમ અને વિવિધ AI ટૂલ્સના માધ્યમથી યુવા સ્કિલીંગના ક્ષેત્રોમાં સક્રિયપણે આગળ વધવાની તૈયારી બતાવી હતી. આ બેઠકોમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુ.એસ. ખાતે યોજાયેલી આ બેઠકો અને વૈશ્વિક ટેકનોલોજી દિગ્ગજો સાથેના આ કરારો વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ પૂર્વે ગુજરાતના ઔદ્યોગિક અને તકનીકી વિકાસ માટે અત્યંત ફળદાયી સાબિત થઈ રહ્યા છે. સેમિકંડક્ટરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણકારોનો ગુજરાત પ્રત્યેનો વધતો વિશ્વાસ રાજ્યને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનું અગ્રેસર કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
