CIDSCON 2026: ગાંધીનગરમાં ચેપી રોગોનાં અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવશે
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગષ્ટનાં રોજ કોન્ફરન્સનું ઉદ્ઘઘાટન કરશે
20 ઓગસ્ટથી વિશેષ વર્કશોપ સાથે શરૂ થનારી ચાર દિવસીય પરિષદમાં ચેપી રોગોની સારવારના વિવિધ પાસાઓ પર ચર્ચા થશે
આર્ટિફિશિય ઇન્ટેલિજન્સ (AI) પર પણ વિશેષ વર્કશોપ યોજાશે, જેમાં લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM)થી આગળ AIના ઉપયોગ અને ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસમાં તેની સંભવિત ભૂમિકા અંગે ચર્ચા થશે
સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્રે ગુજરાત વધુ એક ગૌરવવંતા આયોજનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ‘ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી’ની ૧૬મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ ‘CIDSCON 2026’ નો ભવ્ય પ્રારંભ થયો છે. ૨૦ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિષદમાં ભારત સહિત અમેરિકા અને સિંગાપોર જેવા દેશોમાંથી આવેલા અગ્રણી તબીબો, સંશોધકો અને માઇક્રોબાયોલોજિસ્ટો એક જ મંચ પર એકત્રિત થયા છે, જ્યાં ચેપી રોગોના જટિલ પ્રશ્નો અને આધુનિક તબીબી પદ્ધતિઓ પર મંથન થશે.
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા ઉદ્ઘઘાટન અને પુસ્તક વિમોચન
આ અતિ-મહત્વપૂર્ણ કોન્ફરન્સનું સત્તાવાર ઉદ્ઘઘાટન ગુજરાત સરકારના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવશે. આ ગરિમાપૂર્ણ અવસરે મંત્રીશ્રી દ્વારા ‘એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ’ અને ‘એન્ટિમાઇક્રોબિયલ સ્ટુઅર્ડશીપ’ જેવા અત્યંત ગંભીર અને વર્તમાન સમયની જરૂરિયાત સમાન વિષય પર નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. આ પ્રસંગે CIDSનાં પ્રમુખ સુબ્રમનિયન સ્વામીનાથન, સચિવ ડો. નેહા ગુપ્તા, ખજાનચી ડો. કવિથા સરાવુ તેમજ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડો. અતુલ પટેલ સહિતના દિગ્ગજ તબીબી મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસ અને વિશેષ વર્કશોપની શૃંખલા
પરિષદના પ્રથમ દિવસે એટલે કે ૨૦ ઓગસ્ટે ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસના વિવિધ પાસાઓને આવરી લેતા વિશેષ વર્કશોપ યોજાયા હતા. આ પ્રાયોગિક સત્રોમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, કેસ આધારિત ઊંડાણપૂર્વક ચર્ચાઓ અને સહભાગીઓ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય મંથન દરમિયાન એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), ઉષ્ણકટિબંધીય ચેપ (ટ્રોપિકલ ઇન્ફેક્શન્સ), એચઆઈવી (HIV), ક્ષયરોગ (ટીબી), ફૂગજન્ય ચેપ, વાઇરોલોજી અને રોગપ્રતિકારક શક્તિ નબળી ધરાવતા દર્દીઓમાં થતા જોખમી ચેપ જેવા મહત્વના વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે.
તબીબી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
આ વર્તમાન પરિષદનું સૌથી મુખ્ય અને આકર્ષક પાસું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. AI ને સમર્પિત ખાસ વર્કશોપમાં લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) થી પણ આગળ વધીને AI ના વિવિધ વ્યાપારી અને તબીબી ઉપયોગો પર પ્રકાશ પાડવામાં આવશે. ચેપી રોગોના નિદાન અને તબીબી પ્રેક્ટિસમાં AI ની ભૂમિકા તથા માનવીય તબીબી નિર્ણય લેવાની પ્રક્રિયા સાથે તેની સરખામણી અંગે ગહન ચર્ચા થશે. આ ઉપરાંત નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ફેજ થેરાપી અને AI આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસ જેવી અત્યાધુનિક ટેક્નોલોજી પર પણ વિશેષ સત્રો યોજાશે.
ગુજરાતમાં AMR નિયંત્રણ માટે વિશેષ સત્ર અને સ્ટેટ સર્વેલન્સ નેટવર્કની પહેલ
પરિષદના ભાગરૂપે આગામી ૨૨ ઓગસ્ટે યોજાનાર વિશેષ સત્રમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) ની સમસ્યાને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે. આ સત્રમાં ‘ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક’ (GUJSAR-N), એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશિપ કાર્યક્રમનું મોનિટરિંગ અને AMR ડેશબોર્ડના માધ્યમથી મળતા લેબોરેટરી ડેટા આધારિત રોગ સર્વેલન્સ અંગે વિસ્તૃત સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવશે.
યુવા તબીબો માટે માર્ગદર્શન અને ૨૩ ઓગસ્ટે સમાપન સમારોહ
આ ચાર દિવસીય મહાસંમેલનમાં માત્ર સિનિયર નિષ્ણાતો જ નહીં, પરંતુ અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓ અને ફેલોઝ માટે પણ વિશેષ સત્રો રાખવામાં આવ્યા છે. પડકારજનક કેસો અંગેની વૈજ્ઞાનિક ચર્ચાઓ, નિષ્ણાતો સાથે સીધો સંવાદ, એવોર્ડ પ્રેઝન્ટેશન્સ અને પોસ્ટર રાઉન્ડ આ પરિષદનું મુખ્ય આકર્ષણ રહેશે. ડૉ. અતુલ કે. પટેલ (અધ્યક્ષ), ડૉ. હર્ષ તોશનીવાલ (સહ-અધ્યક્ષ) અને ડૉ. સુરભી મદન (સચિવ) સહિતની આયોજક સમિતિની જહેમતથી યોજાઈ રહેલી આ પરિષદનું ૨૩ ઓગસ્ટે વેલેડિક્ટરી સેશન (સમાપન સમારોહ) સાથે ભવ્ય સમાપન થશે.
ગાંધીનગરમાં આયોજિત CIDSCON 2026 પરિષદ માત્ર ગુજરાત જ નહીં પરંતુસમગ્ર દેશના તબીબી જગત માટે એક સીમાચિહ્ન સમાન સાબિત થશે. ચેપી રોગો સામેની લડાઈમાં આધુનિક ટેક્નોલોજી, AI નો સમન્વય અને એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવા વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે આ મંચથી જે વૈજ્ઞાનિક જ્ઞાન અને માર્ગદર્શિકા પ્રાપ્ત થશે, તે ભવિષ્યમાં માનવજાતના આરોગ્ય રક્ષણ માટે અત્યંત ઉપયોગી અને ફળદાયી સાબિત થશે.
