જમીનના બેવડા દસ્તાવેજની વિસંગતતા હટાવી ૭/૧૨ના ઉતારા હવે માન્ય નહીં રહે
ગુજરાતમાં જમીનના અનેક વિવાદો સામે આવે છે ત્યારે આવા વિવાદીત જમીન પ્રકરણમાં પારદર્શીતા લાવવા રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં બિનખેતી થયેલી જમીનનો માન્ય દસ્તાવેજ એક માત્ર પ્રોપર્ટી કાર્ડ રહેશે. જમીન બિનખેતી થયા બાદ ૭/૧૨ સહીતના દસ્તાવેજો માન્ય રહેશે નહીં. રાજ્ય સરકારના આ નવા નિર્ણયથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ડ તેમજ લેન્ડ રેકર્ડઝ ઇન્સ્પેક્ટરરી કામગીરી વધશે અને ડબલ રેકર્ડની વિસંગતતાનો અંત આવશે.
રાજ્યમાં જમીનના વધતા જતા વિવાદો વચ્ચે પાદર્શીતા લાવવા અને જમીનના બેવડા દસ્તાવેજની વિસંગતતા હટાવવા માટે રાજ્યના મહેસુલ વિભાગના નાયબ સચીવ ડી.બી.નિમાવતે ૩૭ પાનાનો મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હવેથી બિનખેતી થયેલી જમીનનો એકમાત્ર દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડ ગણાશે.
અત્યાર સુધી બિનખેતી થયેલી મિલ્કત માટે ગામ નમુના ૭/૧૨ તેમજ પ્રોપર્ટી કાર્ડ એમ બન્ને દસ્તાવેજો મન્ય ગણાતા હતા જેના કારણે જમીન કૌભાંડ થવાની શક્યતાઓ વધી જતી હતી એટલું જ નહીં બેવડા દસ્તાવેજના કારણે અનેક પ્રશ્નો સામે આવતા હતાં.
રાજ્ય સરકાર સમક્ષ આ બાબતે અનેક રજુઆત આવ્યા બાદ બિનખેતી થયેલી જમીનની વિસંગતતા દુર કરવા માટે હવેથી ૭/૧૨ના ઉતારા દસ્તાવેજ માટે માન્ય રહેશે નહીં. માત્ર ને માત્ર પ્રેપર્ટી કાર્ડ જ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે.
હાલમાં બિનખેતી હક્ક અને મંજુર થયેલા પ્લાન તથા રેકર્ડના આધારે બિનખેતી જમીનની ડેટા એન્ટ્રી કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. બિનખેતી થયેલી જમીનના નવા પ્રોપર્ટી કાર્ડ ગામ નમુના ૭/૧૨ના ઉતારા બંધ કરવા જરૂરી હોય જે અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
મહેસુલ વિભાગે આ પરિપત્ર રાજ્યની તમામ કલેકટર કચેરી, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, સેટલમેન્ટ કમીશ્નર સહીતના સબંધીત અધિકારીકારીઓને મોકલી આપી હવેથી બિનખેતી થયેલી જમીનનો એક માત્ર પ્રોપર્ટી કાર્ડ જ દસ્તાવેજ માન્ય ગણાશે તેમ જણાવ્યું છે. અને નવા આદેશ મુજબ તમામ રેવન્યુના કેસમાં પ્રોપર્ટી કાર્ડની વિગતો, હક્કદારોના નામ, ક્ષેત્રફળની માહિતીની ચકાસણી કર્યા બાદ જ અંતિમ કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ આપ્યો છે.
નવા પરિપત્રથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કામગીરી વધશે
રાજ્ય સરકારે બિનખેતી જમીનમાં પારદર્શીતા લાવવા માટે હવેથી બિનખેતી થયેલી જમીનનો એક માત્ર પ્રોપર્ટી કાર્ડ જ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે તેવો હુકમ કર્યો છે અને બિનખેતી જમીન માટે હવેથી ૭/૧૨ના ઉતારા દસ્તાવેજ તરીકે માન્ય નહીં રહે તેવો આદેશ કર્યો છે ત્યારે આ નવા પરિપત્રથી દરેક જિલ્લાની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરીની કામગીરી વધશે.
