ભાયાસર ગામમાં ગટર લાઈનના વિવાદમાં જૂથ અથડામણ
ગટર ખોદવા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ
શહેરના છેવાડે આવેલા ભાયાસર ગામમાં ગટરની લાઈન ખોદવાના જૂના મનદુઃખમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે થયેલી આ માથાકૂટમાં બંને પક્ષોએ એકબીજા પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરતા બે લોકોને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે બંને પક્ષોએ સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ,ભાયાસર ગામમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મયુરભાઈ મનુભાઈ ચાવડા (ઉ.વ.૨૪) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત ૩૦ તારીખની રાત્રે તેઓ ભાડોઈ ચોકડી પાસે આવેલી હિંગળાજ ગોલા નામની હોટલ પાસે બેઠા હતા ત્યારે તેમના પરિવાર વિશે ગાળો બોલી રહેલા સામા પક્ષના લોકોને તેમણે ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈને રસિક બાવળિયા, દેવજી બાવળિયા, રજની, મહેશ , મનુ , કમલેશ અને મુકેશએ તેમના પર હુમલો કર્યો હતો.આ શખ્સોએ લોખંડના પાઇપના ઘા ઝીંકી દેતા મયુરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને મધુરમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મયુરના જણાવ્યા મુજબ, દસેક દિવસ પહેલા રસિક અને દેવજી સાથે ગટર લાઈન ખોદવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જમીનના બેવડા દસ્તાવેજની વિસંગતતા હટાવી ૭/૧૨ના ઉતારા હવે માન્ય નહીં રહે
સામા પક્ષે ભાયાસર ગામમાં ‘હિંગળાજ પાન’ નામની દુકાન ચલાવતા મહેશ ભુપતભાઈ બાવળીયા (ઉ.વ.૩૯) એ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રીના સમયે સંદીપ ચાવડા અને મયુર ચાવડા દુકાને આવીને જૂની બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. થોડીવારમાં મયુરના પિતા મનુભાઈ ચાવડા તેમજ બહાદુરભાઈ ચાવડા, કાળુભાઈ ચાવડા, મસાભાઈ ચાવડા અને લાલો ચાવડા હાથમાં લાકડાના ધોકા લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.જ્યારે મહેશ અને તેમના પરિવારજનો છોડાવવા ગયા ત્યારે ચાવડા પરિવારના સભ્યોએ તેમના પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કલ્પેશભાઈને માથા અને વાંસાના ભાગે, દેવજીભાઈને કમરના ભાગે અને મહેશભાઈને પગના ભાગે મુંઢ ઈજાઓ પહોંચી હતી. મહેશભાઈના જણાવ્યા અનુસાર, પંદરેક દિવસ પહેલા લાલા ચાવડાએ ગામના સરપંચ સાથે ગટર બાબતે ગાળાગાળી કરી હતી જેમાં મહેશભાઈએ વચ્ચે પડીને ના પાડતા તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.આજીડેમ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
