એઇમ્સ રોડ પર માથાભારે શખ્સોએ આંતરીને કારનો જેક અને બોટલો ફટકારી, માથામાં ૬ ટાંકા આવ્યા; ૫ શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ
શહેરમાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો અને રેતી માફિયાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. એઇમ્સ હોસ્પિટલ રોડ પરથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર રોકીને તેનો વીડિયો ઉતારનાર યુવાન પર ડમ્પર માલિકો અને તેના સાગરીતોએ ભેગા મળી કારનો જેક અને બોટલો વડે હિચકારો હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને માથાના ભાગે છ ટાંકા આવ્યા છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ૫ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રેલનગરના અમુન હેરીટેજ વીલામાં (બ્લોક નં. ૩) રહેતા અને ખેતી તથા બીલ્ડીંગ મટીરીયલ સપ્લાયનો વ્યવસાય કરતા ૪૧ વર્ષીય વિજય નવઘણભાઈ કોઢીયાળ (આહીર) ગત તા. ૨૩મી જૂનના રોજ રાત્રે અગિયારેક વાગ્યાની આસપાસ પોતાની થાર ગાડી લઈને પરાપીપળીયા ગામ ખાતે પોતાના તબેલા પર જઈ રહ્યા હતા. દરમિયાન એઇમ્સ હોસ્પિટલ મેઇન રોડ પર તેમની આગળ રેતી ભરેલા ત્રણ ડમ્પર જઈ રહ્યા હતા. વિજયભાઈએ ઓવરટેક કરવા જતા એક ડમ્પર ચાલકે પોતાની ગાડી દબાવતા તેમણે મુરલીઘર સર્કલથી થોડે આગળ આ ત્રણેય ઓવરલોડ ડમ્પર રોકાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના મોબાઈલમાં આ ડમ્પરોનો વીડિયો ઉતારી ૧૧૨ નંબર પર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: પરિણીતાનું શંકાસ્પદ મોત: માવતર પક્ષને હત્યાની આશંકા
પોલીસને જાણ કર્યાની ગણતરીની મિનિટોમાં જ ત્યાં ક્રેટા, સ્કોર્પીયો અને સ્વીફટ ગાડીમાં માધવ મચ્છા ડુંગા, અજય ઢુંગા, મેહુલ ભરવાડ, રેવા ભરવાડ, સુરા ભરવાડ અને કેટલાક અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. ત્યાં આવતા જ માધવે “અમારા ડમ્પર કેમ રોકેલ છે, તને આજે જાનથી મારી નાખવો છે” કહી ધમકી આપી હતી. જ્યારે અજયે ગાળો ભાંડી બળજબરીથી ફોન ઝુંટવી ગાડીનો જેક વિજયભાઈના માથાના ભાગે ઝીંકી દીધો હતો.આટલેથી ન આરોપીઓએ ખાલી સોડાની બોટલ ફટકારી હતી. લોકો એકઠા થઈ જતાં આરોપીઓ નાશી છૂટ્યા હતા બીજી બાજુ યુવકે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં માથાના ભાગે છ જેટલા ટાંકા આવ્યા હતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
